વઘાસિયા ગામમાં લોક કલાકાર શ્રી કિશન બારોટના રાસ ગરબા, લોકગીતોના કાર્યક્રમોએ લોકોને રસ તરબોળ કર્યા
મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.
તાજેતરમાં વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન, પરંપરાગત રાસ ગરબા, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, પોલિયો નાબૂદી માટે રસીકરણ અભિયાન, આધાર કાર્ડ, આયુષમાન કાર્ડ, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પણ સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજન, નાટકનો ગ્રામ સરપંચશ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીશ્રીઓ, ૨૦૦ થી વધુ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો.
કાર્યક્રમના અંતે લોક કલાકાર શ્રી કિશનભાઈ બારોટને વઘાસિયા ગ્રામ પંચાયત અને રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.