“‘ગ્રાહકોની જાગૃતિ અને સુરક્ષા માટે સરકાર વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરે છે”‘
“‘કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”‘
“‘ગ્રાહકની સુરક્ષા માટે ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત”‘
મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૩ વર્ષના તેમના શાસનકાળ દરમિયાન દેશની ખૂબ ચિંતા કરી છે, વણથંભી વિકાસયાત્રા લોકોને સમર્પિત કરી છે તે અન્વયે હાલ ગુજરાતમાં વિકાસ સપ્તાહ યોજાઈ રહ્યો છે. ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષા અત્યંત મહત્વની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૯ માં ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં અનેકવિધ પરિવર્તનો કરી નવો કાયદો અમલમાં મૂકી ગ્રાહક સુરક્ષા વધુ સુદ્રઢ્ય કરી છે. ગ્રાહક સુરક્ષા સમાજના દરેક વર્ગને સીધી અસર કરે છે ત્યારે સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે.
મંત્રેશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોની સુરક્ષા માટે સરકાર દ્વારા વર્ષે ૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન દ્વારા ૨૨૦૦ જેટલી ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે. ગ્રાહકની સુરક્ષા માટે હાલ ગુજરાત રાજ્યમાં ૫૩ ગ્રાહક સુરક્ષા મંડળ કાર્યરત છે, હજુ વધુ મંડળ બનાવવા સરકાર પ્રયત્નશીલ છે. આ ગ્રાહક મંડળોને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકોની જાગૃતિ અર્થે વર્ષે તાલુકા કક્ષાએ ૭૫,૦૦૦, જિલ્લા કક્ષાએ ૧,૦૦,૦૦૦ તથા મહાનગરપાલિકા કક્ષાએ ૧,૨૫,૦૦૦ ફાળવવામાં આવે છે. રાજ્યમાં ૨૧ સ્થળોએ ગ્રાહક સલાહકાર કેન્દ્ર પણ કાર્યરત છે જ્યાં ગ્રાહકોને તેમની સમસ્યાઓ બાબતે નિશુલ્ક સલાહ – સૂચન આપવામાં આવે છે.
વધુમાં મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ માં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા વિકસીત ગુજરાત માટે સૌને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતો નિયામક આર.આર. ગોહિલે કર્યું હતું. જ્યારે આભારવિધિ કાનૂની માપ વિજ્ઞાન નાયબ નિયંત્રક એસ.એસ. વિસાણાએ કરી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત ગ્રાહકોની જાગૃતિ અર્થે જાગૃતિ ફિલ્મ તથા તોલ માપના સાધનોમાં કરવામાં આવતી ઘાલમેલ અંગે પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા,વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાશાબેન મેર, અગ્રણી હરુભા ઝાલા, ગ્રાહક સુરક્ષા નાયબ નિયામક ઋચીબેન પટેલ, મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને મોરબી ગ્રાહક સુરક્ષા અધિકારી આર.કે. ડામોર ઉપરાંત સ્થાનિક પદાધિકારી/અધિકારી તથા અગ્રણીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.