મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ઉજવણી અંતર્ગત સખી ટોકનું આયોજન કરી સ્વ સહાય જૂથ હેઠળની સખી મંડળની બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક મિશન મંગલમ યોજના તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સંયુક્ત ઉપક્રમે સખી ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સખી ટોકના આયોજન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર ફેડરેશન ખાતે મિશન મંગલમ અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો માટે સ્વચ્છતા જાગૃતિ સંવાદ રાખવામાં આવ્યો હતો. આ સંવાદ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના ના કર્મચારીઓ દ્વારા સખી મંડળની બહેનોને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને વર્મી કમ્પોસ્ટ, પશુ શેડની સ્વચ્છતા સહિતના વિષયો બાબતે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મિશન મંગલમ તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના કર્મચારીઓ તથા કૃષિ પશુપાલન સહિત અન્ય વ્યવસાય સાથે જોડાયેલી સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા.