વાંકાનેર તાલુકાના વિસ્તારની અલગ અલગ સિરામિક કંપનીઓમાંથી કોપર વાયર અને થર્મોકપલમાંથી નીકળતા પ્લેટિનિયમ તારની ચોરી કરનાર ત્રણ શખ્સો અને માલ ખરીદનાર ભંગારના ડેલાવાળા શખ્સ સહિત કુલ ચાર આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
વાંકાનેર તાલુકામા આવેલ અલગ અલગ કારખાનામાં જેમકે ઈટાલીનો ટાઈલ્સ એલએલપી, ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો તથા સોલીજો વિટ્રીફાઈડ કંપનીમાં થયેલી કોપર વાયર તથા થર્મોકપલની ચોરીના બનાવનો વાંકાનેર તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખી આરોપી દિવ્યેશ ઝાલા (ઉં.વ. 26), મીત પરમાર (ઉં.વ. 19), મંતવ્ય મોરી (ઉં.વ. 22) તથા ભંગારના ડેલાવાળા બીબાલ રફીકભાઈ કચ્છી (ઉં.વ. 28)ને ઝડપી પાડવામાં આવ્યા છે.
વધુમાં કિંમતી પ્લેટીનીયમ ધાતુના તાર અને કોપર વાયરની ચોરીના આ કિસ્સામાં આરોપી દિવ્યેશ ઝાલા માટેલ ચોકડી પાસે આવેલા લીવીઝોન કારખાનામાં વાયરમેન તરીકે કામ કરતો હોય આજુબાજુમાં આવતા કારખાનાની દિવસના સમયે રેકી કરી તેના મિત્રો મીત પરમાર તથા મંતવ્ય મોરી સાથે રાતના સમયે કારખાને જઈને દિવ્યેશ તથા મંતવ્ય કારખાનાની અંદર જઈ ચોરી કરતા અને મીત કારખાનાની બહાર રહી ધ્યાન રાખતો અને ચોરી કરીને ચોરીનો મુદ્દામાલ કોપર વાયર ભંગારના ડેલાવાળા બીલાલ રફીકભાઈ કચ્છીને વેચી નાખતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વાંકાનેર પોલીસે આરોપીઓ પાસેથી 5,40,000 રૂપિયાની કિંમતનો કોપર વાયર, 4,26,250ની કિંમતનો થર્મોકપલમાંથી કાઢેલ પ્લેટિનિયમ તાર, 40 હજારની કિંમતનું એક એક્ટિવા, 35 હજારની કિંમતના મોબાઈલ ફોન નંગ-4 તથા 2500 રૂપિયા રોકડા મળી કૂલ 10,43,750નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા સહિતની ટીમે કરી હતી.