
રાજકોટ ડિવિઝનના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફની સૂઝબૂઝના લીધે, ગુમ થયેલ સગીર છોકરાને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો છે. મોરબીમાં ફરજ બજાવતા આરપીએફના સહાયક સબ ઇન્સ્પેક્ટર નરેશ કુમાર ચૌહાણને સવારે 10.30 વાગ્યે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં એક 14 વર્ષનો છોકરો વ્યથિત અને શાંત હાલતમાં એકલો જોયો હતો. તેણે સમજદારી વાપરી અને તેની સાથે વાત કરી. કાઉન્સેલિંગ દરમિયાન છોકરાએ જણાવ્યું કે તે લગભગ 15 દિવસ પહેલા બિહારના મુઝફ્ફરપુરથી મોરબીમાં તેના મામાના ઘરે આવ્યો હતો. છોકરાના મામાને આરપીએફ દ્વારા પોસ્ટ પર બોલાવવામાં આવ્યા હતા જેમણે માહિતી આપી હતી કે જ્યારે તેણે તેના ભત્રીજાને બીડી પીતા જોયો ત્યારે તેણે ઠપકો આપ્યો અને સમજાવ્યું હતું. છોકરો કોઈને જાણ કર્યા વગર મોરબી સ્ટેશને આવી ગયો હતો. આરપીએફ સ્ટાફે છોકરાના માતા-પિતા અને ચાઈલ્ડ હેલ્પલાઈન ડેસ્કની ટીમને આ ઘટના અંગે જાણ કરી હતી. યોગ્ય ચકાસણી અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, આ છોકરાને આરપીએફ દ્વારા તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. છોકરાના પરિવારે આરપીએફ સ્ટાફના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે પોતાની સતર્કતા, સજગતા અને કર્તવ્યનિષ્ઠાથી એક સગીર છોકરાને તેના વિમુખ પરિવાર સાથે પુનઃમિલન કરાવનાર આરપીએફ સ્ટાફની રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમાર અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વર સિંઘ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.