વાંકાનેર બાયપાસ રોડે મચ્છુ નદી ઉપરના બ્રિજનો સ્લેબ બેસી જતાં વાહનોની અવરજવર બંધ: ગાંધીનગર રિપોર્ટ કરાયો
મોરબી જિલ્લાના વાંકાનેર બાયપાસ રોડે મચ્છુ નદી ઉપર પંચસર અને રતિદેવળી ગામને જોડતો બ્રિજ બનાવવામાં આવેલ છે આ બ્રિજનો એક સ્લેબ બેસી ગયો છે. જેથી કરીને બ્રિજ જોખમી બન્યો હોય હાલમાં તે બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરાવવામાં આવી છે તેવું માર્ગ મકાન વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. અને આ અંગે રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસરને જાણ કરવામાં આવી છે જેથી હવે ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યા બાદ પુલના રીપેરીંગ કામ માટેની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળી રહ્યું છે
રાજ્યના જુદા જુદા વિસ્તારમાં પુલ દુર્ઘટના, પુલ જોખમી બનવા અને પુલ તૂટી પડવા જેવી ઘટનાઓ છેલ્લા વર્ષોમાં અવારનવાર સામે આવી રહી છે. તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં બાયપાસ રોડ ઉપર મચ્છુ નદી ઉપર વર્ષ 2000 માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજનો એક સ્લેબ હાલમાં બેસી ગયો છે. જેથી બ્રિજ જોખમી બનતા આ અંગેની જાણ માર્ગ મકાન વિભાગના અધિકારી સૂત્રોને કરવામાં આવતા માર્ગ મકાન વિભાગના અધિકારી, વાંકાનેર સિટી પોલીસી ટીમ સહિતનાઓ તાત્કાલિક ઘટના સાથે દોડી ગયા હતા. અને પુલ ઉપર કોઈ દુર્ઘટના ન બને તે માટે થઈને પુલને હાલમાં વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવેલ છે
માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર સંદિપ કડીવાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાંકાનેરના બાયપાસ રોડે વર્ષ 2000 માં 2.80 કરોડના ખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલનો એક સ્લેબ બેસી ગયો હોય કોઈ દુર્ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે હાલમાં આ પુલ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. અને રાતીદેવળી પાસેથી વાંકાનેર સિટીમાં થઈને નેશનલ હાઈવે રોડ ઉપર વાહનોની અવર જવર કરવામાં આવશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અત્રે ઉલેખનીય છે કે, નેશનલ હાઇવે રોડ ઉપરથી રાજકોટ અને જામનગર તરફ જઈ શકે તે માટેની આ પુલ મહત્વનો છે અને ત્યાં ટ્રાફિક પણ મોટા પ્રમાણમા રહે છે. જેથી તાત્કાલિક ડાઇવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવેલ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસરને કરવામાં આવી છે, અને તેઓની ટેકનિકલ ટીમ ત્યાં સ્થળ મુલાકાત લેશે અને એનાલિસિસ કરીને રીપેરીંગ કામ માટે જે સૂચના આપશે તે મુજબ કામ કરવામાં આવશે