મારામારીના બનાવનો ખાર રાખી સાત શખ્સોએ મંડળીના પ્રમુખ પદના દાવેદારની કારને આગ ચાંપી….
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની જુથ સેવા સહકારી મંડળીની સોમવારે યોજાયેલ ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હોય, જેમાં બંને પક્ષોએ સરખા મત થતાં હોદ્દેદારોની વરણી માટે રાજકીય માહોલ ગરમાયો હતો, જેમાં મારામારીનો બનાવ પણ સામે આવતાં આ બાબતનો ખાર રાખી એક પક્ષના સાત શખ્સોએ મળી સામે પક્ષના પ્રમુખ પદના દાવેદારની કારમાં આગ ચાંપી દેતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ફરિયાદી દેવકુભાઈ જગુભાઈ ધાંધલએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). હિરૂબેન ધીરૂભાઇ રાઠોડ, ૨). રોહીતભાઈ ભગાભાઈ સાંકળીયા, ૩). વનરાજભાઈ ધીરૂભાઇ રાઠોડ, ૪). ગોપાલભાઈ છગનભાઇ રાઠોડ, ૫). રમેશભાઈ ઉર્ફે ખડો બાબુભાઈ ભુસડીયા, ૬). પ્રકાશભાઈ તેજાભાઇ સાકરીયા અને ૭). વિનુભાઇ કેશાભાઈ ભુસડીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી મેસરીયા મંડળીની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર હોય, જેમાં બંને પક્ષોએ સરખા મતો થતાં બેંક પ્રતિનિધિના નિર્ણાયક મત બાબતે વિવાદ સર્જાતાં આ મામલે સામાપક્ષે મારામારીનો બનાવ થતાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી, જેથી આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીની મંડળી બહાર પાર્ક કરેલ સ્વિફ્ટ કાર નં. GJ 13 AM 8852 પર પથ્થર મારાથી તોડફોડ કરી, ગાડી પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી ફરિયાદીને રૂ. ૪,૦૦,૦૦૦ ની નુકસાની પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે બીએનએસ કલમ ૩૨૬(જી), ૩૨૪(૫), ૧૮૯(૨), ૧૯૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….