મેસરીયા ગામના બે શખ્સોએ બહારથી માણસો બોલાવી હુમલો કર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર તાલુકાની મેસરીયા જુથ સેવા સહકારી મંડળીની ભારે વિવાદ અને વિરોધના વંટોળ વચ્ચે ગઇકાલે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હોય, જેમાં ભારે હોબાળો સર્જાયો હતો. ત્યારે કોંગ્રેસ પેનલ તરફથી સક્રિય પ્રમુખ પદના ઉમેદવારના પુત્ર તથા અન્ય એક વ્યક્તિ પર સામાપક્ષે મેસરીયા ગામના જ બે શખ્સોએ બહારથી માણસો બોલાવી આઠ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા-પાઇપ-છરી વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવ માટે તમામ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ભારે વિવિધ સર્જાયો હોય, જેમાં કુલ ૧૪ બેઠકો પૈકી બંને પેનલો પાસે સાત-સાત ઉમેદવારો હોય, ત્યારે ફરિયાદી અશ્વિનભાઈ ધીરૂભાઇ રાઠોડ(ઉ.વ. ૩૫)ના પિતા ધીરૂભાઇ પ્રમુખ પદના ઉમેદવાર હોય તેમજ સામા પક્ષે દેવકુભાઇ જગુભાઇ ધાંધલ પ્રમુખ પદના ઉમેદવાર હોય, જેથી બંને પક્ષો પાસે સરખા મતો થતાં બેંક પ્રતિનિધિ કિર્તીભાઇ વાળા(રહે. ગારીયા)ની નિર્ણાયક મત તરીકે વરણી કરવામાં આવી હતી….
જેથી ગઇકાલે યોજાયેલ ચુંટણી પ્રક્રિયામાં મેસરીયા ગામના આરોપી ૧). શીવકુભાઇ દાદભાઇ ખાચર, ૨). બાબભાઈ કથુભાઈ કાઠી તથા તેની સાથે બહારથી બોલેરો ગાડીમાં આવેલ છ અજાણ્યા શખ્સોએ મળી બેંક પ્રતિનિધિની ચુંટણી પ્રક્રિયાથી લઈ જવાનો પ્રયાસ કરતાં તેને રોકતા આરોપીઓએ ફરિયાદી યુવાન તથા સાહેદ કેસાભાઇ પર ધોકા, પાઇપ, છરી વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી આ બનાવમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…..
જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદી અશ્વિનભાઈ રાઠોડની ફરિયાદ પરથી આરોપી શિવકુભાઈ દાદભાઈ ખાચર, બાબભાઈ કથુભાઈ કાઠી તથા છ અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ. કલમ 115(2), 118(1), 189(2), 190, 191(1) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…