વાંકાનેરના મોનાલી ચેમ્બરની ચાર દુકાનમાંથી 60 હજારના મુદામાલની ચોરી: પોલીસ ફરિયાદ લેતી નથી !
વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ મોનાલી ચેમ્બરમાં જુદી જુદી ચાર દુકાનોને તસ્કરે નિશાન બનાવી હતી અને તેમાંથી અંદાજે 60 હજારના વાયર સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે સ્થાનિક વેપારીઓએ વાંકાનેર સિટી પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે તો પણ પોલીસ દ્વારા વેપારીઓની હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અને ચંદ્રપુર પાસે મોનાલી ચેમ્બરમાં દુકાન ધરાવતા કડીવાર ઈરફાનભાઇ અમીભાઇએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગત તા. 27/6 ના રોજ ચોરીની લેખિત ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ચંદ્રપુરના સર્વિસ રોડ ઉપર આવેલ મોનાલી ચેમ્બરમાં તેની ત્રણ દુકાન આવેલ છે અને ત્યાં ગત તા. 25/6 ના રોજ રાત્રિના ચારેક વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બનેલ છે ત્યારે તેઓની દુકાનમાંથી ત્રણ એમએમનો 300 મીટર અને 12 એમએમનો 400 મીટર કેબલ વાયર ચોરી કરવામાં આવે છે જેની કિંમત 40,000 થાય છે તે ઉપરાંત સમ્રાટ હોટલની બાજુમાં આવેલ આઈએમપી ટ્રેક્ટર નામની દુકાનમાં ઇલેક્ટ્રીક સાધન સામગ્રી તથા વાયર અને બાઇકમાંથી પેટ્રોલ સહિત કુલ મળીને 5000 ના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે
તો સરદાર ટ્રેક્ટર નામની દુકાનમાંથી 35 મીટર કેબલ વાયર જેની કિંમત 4,000 થાય છે અને નેશનલ મોટર ગેરેજ નામે ચાલતી દુકાનમાંથી 65 એમપીઆરની બેટરી તેમજ બોલ્ટ ખોલવાના મશીન અને 60 ફૂટ કેબલ વાયર આમ કુલ મળીને 10,000 ના મુદામાલની ચોરી કરેલ છે એક જ રાતમાં એક સાથે એક જ શોપિંગમાં ચાર દુકાનોમાંથી તસ્કરે કેબલ વાયર સહિતના મુદ્દામાની ચોરી કરેલ છે આ અંગેની વેપારીઓ દ્વારા વાંકાનેર સીટી પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી છે તેમ છતાં પણ આજ સુધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો નથી ! અને આરોપીઓને પકડવામાં આવ્યા નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, જો સીસીટીવી કેમેરામાં તસ્કરો દેખાતા હોય, વેપારીઓ લેખિત ફરિયાદ આપતા હોય અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસને આપવામાં આવતા હોય તેમ છતાં પણ પોલીસ શા માટે વેપારીઓની ચોરીની ફરિયાદ લેતી નથી ? વધુમાં લોકોના કહેવા મુજબ વાંકાનેરમાં વાહન ચોરી સહિતના નાની મોટી ચોરીના બનાવમાં ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે પોલીસ કયારે પણ ફરિયાદ લેતી જ નથી અને માત્ર અરજીઓ જ લેવામાં આવે છે