ચાંદીપુરા વાયરસે લીધો 27 બાળકોનો ભોગ, કુલ 71 કેસ નોંધાયા
ચાંદીપુરા વાઇરસે ગુજરાતમાં કાળો કહેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાંથી ચાંદીપુરા વાઇરસે કુલ 27 બાળકોનો ભોગ લઇ લીધો છે. જ્યારે આ વાઇરસના કુલ 71 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં અત્યારે વાયરલ એન્કેરેલાઈટિસના 71 કેસ છે. જેમાં સાબરકાંઠામાં 8, અમદાવાદ શહેર, અરવલ્લી અને મહેસાણામાં ચાર, મહિસાગર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં બે-બે, ગાંધીનગર ગ્રામ્ય, ખેડામાં પાંચ, પંચમહાલમાં 11, વડોદરા શહેર-ગ્રામ્ય, નર્મદા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર અને કચ્છમાં એક કેસનો સમાવેશ થાય છે.
શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ શરૂઆતના તબક્કે પૂણે મોકલાયા હતા. જેના રિપોર્ટ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં અરવલ્લી,મહેસાણામાં સૌથી વધુ બે-બે, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, મોરબી, વડોદરામાંથી એક-એક દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધી ચાંદીપુરાથી 27ના મૃત્યુ થયા છે.
કુલ મૃત્યુઆંક વધીને 27 પર પહોંચ્યો
જેમાં પંચમહાલમાં સૌથી વધુ ચાર, અમદાવાદ શહેર, અરવલ્લી, મોરબીમાં ત્રણ-ત્રણ, સાબરકાંઠા, રાજકોટ અને દાહોદમાંથી બે-બે, જ્યારે મહિસાગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર શહેર, વડોદરા ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકામાથી એક-એક બાળકના મૃત્યુ થયા છે. 17 જુલાઈના ચાંદીપુરાથી કુલ મૃત્યુઆંક 14 હતો અને હવે તે વધીને 27 થયો છે. આમ ચાર દિવસમાં મૃત્યુઆંકમાં બમણો વધારો થયો છે
સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, બાળકી ICUમાં દાખલ
સુરતમાં ચાંદીપુરાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સચિન સ્લમ બોર્ડમાં રહેતા પરિવારની 11 વર્ષની દીકરીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીનાં સેમ્પલ લઈને તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં છે.