વાંકાનેરની ભાટીયા સોસાયટીના રહેવાશીઓની સ્થિતિ નર્કાગાર, કાદવ-કિચડના સામ્રાજ્ય વચ્ચેથી દરરોજ પસાર મજબૂર નાગરિકો….
વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ માટે આડેધડ ખોદકામ કરી લાઇન નાખવામાં આવતા પાણીની મુખ્યલાઈનો તૂટી જવાની સાથે રસ્તાઓની પણ પથારી ફરી ગઈ છે. આ સાથે જ ભર ચોમાસે સામાન્ય વરસાદ બાદ રોડ-રસ્તા પર કાદવ-કિચડના સામ્રાજ્ય વચ્ચેથી નાગરિકોને પસાર થતાં પડતી પારાવાર મુશ્કેલી વચ્ચે આજરોજ ગ્રામજનો દ્વારા ભાટીયા ગ્રામ પંચાયતના વહીવટદારને સમસ્યાના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી છે….
બાબતે ગ્રામજનોએ વહીવટદારને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા વર્તમાન ચોમાસા દરમ્યાન મુખ્ય બજારમાં આડેધડ ખોદકામ કરી યોગ્ય સમારકામ કર્યા વિના ડ્રેનેજ કામ ચાલુ રાખવામાં આવતાં, હાલમાં સોસાયટીની પાણીની લાઈનો તૂટતા પાણીની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત વરસાદી પાણીનો પણ કોઈ નિકાલ ન હોવાથી તેમજ નબળી ગુણવત્તાની કામગીરીથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને અહીંથી પસાર થતાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે….
આ સાથે જ ગ્રામ પંચાયત પાસે સ્ટ્રીટ લાઇટ રીપેરીંગની પણ કોઇ વ્યવસ્થા ન હોવાથી લોકોને રાત્રીના હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ ગંદકીમાં ભયંકર રોગચાળો ફેલાય તે પુર્વે નર્કાગાર બનેલ ભાટીયા સોસાયટીના લોકોને સમસ્યામાંથી છુટકારો આપવા માંગ કરવામાં આવી છે….