વાંકાનેરના લાકડધાર ગામેથી લાપતા બનેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામેથી ચાર દિવસ પહેલા બાઇક લઇને આટો મારવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાપતા બનેલા વૃદ્ધનો મૃતદેહ વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં મૃતદેહ મળ્યો ત્યાંથી અડધો કિલોમીટર દૂરથી તેમનો મોબાઇલ ફોન અને બીજી તરફ એકાદ કિલોમીટર દૂરથી બાઈક મળી આવ્યું હતું. મૃતકને નશો કરવાની આદત હતી. આ બનાવ હત્યાનો હોવાની શંકા પરિવારજનોએ દર્શાવતા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ લાકડધાર ગામે રહેતાં હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા (ઉ.58) નામના પ્રૌઢ ગત તા.30ના રોજ ઘરેથી મોટરસાઇકલ લઇને આટો મારવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે તેમનો ફોન સતત રણકતો હતો પણ રિસીવ થતો નહોતો. પરિવારજનો અને મિત્રોએ શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન વિઠ્ઠલપર ગામના તળાવથી અડધો કિલોમીટર દૂરથી હીરાભાઇનો ફોન એક રાહદારીને મળ્યો હતો જે તેણે હીરાભાઇના સ્વજનોને આપ્યો હતો.
બીજી તરફ હીરાભાઇ વિઠ્ઠલપર ગામ આસપાસ હોવાની શંકાએ ગઇકાલે ફરી તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે તળાવથી એકાદ કિલોમીટર દૂરથી તેમનું બાઇક મળી આવ્યું હતું અને હીરાભાઇના મિત્ર રઘુરામભાઇને વિઠ્ઠલપરના ખાલી તળાવમાંથી હીરાભાઇનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
દરમિયાન હીરાભાઇના માથાથી કમર સુધીનો શરીરનો ભાગ હાડપીંજર થઇ ગયો હતો. મૃત્યુ બાદ કદાચ કોઇ જનાવરો ખાઇ ગયાની શકયતા જણાઇ હતી. તેના કપડા સહિતને આધારે પરિવારજનોએ આ મૃતદેહ હીરાભાઇનો જ હોવાનું ઓળખી બતાવ્યું હતું. હાલમાં વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.