વાંકાનેરના ઢુવા નજીક પૈસાની ઉઘરાણી મામલે વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ…
ઢુવા ચોકડીથી અપહરણ દરમ્યાન યુવાને પોલીસને જાણ કરતા રસ્તામાં જ પોલીસે આરોપીઓની અટકાયત કરી….
વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક કટલેરીની દુકાન ચલાવતા એક વેપારી પાડોશી પાસેથી રૂ. 53,000 ઉછીનાં લીધા હોય, જે પૈસા પરત ન કરતા આ બાબતનો ખાર રાખી આરોપીઓએ ઢુવા ચોકડી નજીકથી યુવાનનું કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરત ફરતાં રસ્તામાં જ પોલીસનો ભેટો થઈ જતાં પોલીસે યુવાનને બચાવ્યો હતો, જે બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ ધરપકડ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક જય અંબે કટલેરી સ્ટોર ચલાવતા વેપારી યુવાન ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની (ઉ.વ. ૩૪, રહે. મકનસર, મોરબી) એ તેની પાડોશમાં દુકાન ચલાવતા આરોપી રણજીત સોમાભાઈ કોળી(રહે. ઢુવા) પાસેથી આઠેય મહિના પહેલા હાથ ઉછીના કુલ રૂ. ૫૩,૦૦૦ લીધેલ હોય, જેમાં રોજના એક હજારના હપ્તેથી રૂ. ૮,૦૦૦ પરત કર્યા બાદ સતત ત્રણ મહિના સુધી દુકાને નહી જતાં બીજા પૈસા પરત નહીં કરી શકતા, આ બાબતે ફરિયાદી યુવાનની દુકાન ચલાવતી સાહેદ મોનીકાબેન પાસે આરોપીએ પૈસાની ઉઘરાણી કરી અવારનવાર ધમકી આપતા હોય, જે બાદ ગઇકાલે યુવાન તેની દુકાને ગયેલ હોય અને ત્યાંથી ઢુવા ચોકડીએ ચા પી પરત ફરતો હોય ત્યારે આરોપી નીલેશભાઈ સોમાભાઈ કોળી (રહે. ઢુવા) અને જયસુખ મનસુખભાઇ લીંબડીયા (રહે. કોયડા, સુરેન્દ્રનગર)એ ઢુવા ચોકડીથી યુવાનનું કાળા કલરની કારમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ માર મારી, પૈસાની ઉઘરાણી કરી ખીસ્સામાંથી રૂ. ૧૫૦૦ પડાવી લીધા હતા….
આ બનાવમાં મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે અપહૃત વેપારી યુવાનને છોડાવી આરોપી ૧). રણજીત સોમાભાઈ દુમાદીયા (ઉ.વ. ૩૦, રહે. ઢુવા), ૨). નીલેશભાઈ સોમાભાઈ દુમાદીયા (ઉ.વ. ૨૨, રહે. ઢુવા) અને જયસુખ ઉર્ફે જયુ મનસુખભાઇ લીંબડીયા (ઉ.વ. ૨૭, રહે. કોરડા, સુરેન્દ્રનગર) ની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. પી. પંડયા, પીએસઆઇ એસ. આઇ. પટેલ, કે. એચ. ભોચીયા, વી. એન. પરમાર, તાલુકા પીએસઆઇ એલ. એ. ભરગા, એલ.સી.બી/પેરોલફલોં તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા…