એમપીથી ઇકો ગાડીમાં આવેલા આઠ શખ્સો વાંકાનેરથી બે યુવાનોના અપહરણ કરી ગયા…!
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના યુવાનના સાળાએ આરોપીની દીકરીનું અપહરણ કર્યું હોવાનું બહાનું કાઢી ફેક્ટરીની બહાર બોલાવી, એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સો બે યુવાનોના અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિકાસ ગુડ્ડા બારેલા (ઉ.વ. 22, રહે. નવલપુરા, મધ્યપ્રદેશ)એ વાંકાનેર તાલુકા પોલીસ આરોપી રણજીત દોલા વસુનીયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન નામાલુમ તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.25 માર્ચના રોજ ફરિયાદી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ કારખાનામાં કામ પર હોય ત્યારે આરોપી રણજીત દોલા વસુનિયાએ ફરિયાદી વિકાસને ફોન કરીને કહ્યું હતું કે, ” તારા સાળાએ મારી દીકરી આશાનું અપહરણ કર્યું છે અને તે મળી ગયો છે, માટે તું બહાર આવ..” તેમ કહેતા ફરિયાદી વિકાસ અને સાહેદ સોનું ફેકટરીના ગેઇટ બહાર રસ્તા ઉપર જતા ઇકો કારમાં આવેલ આઠેય આરોપીઓએ બંને યુવાનો સાથે બળજબરી કરી વિકાસ તથા સોનુને ઇકો ગાડીમાં બેસાડી અપહરણ કરી મધ્યપ્રદેશ ખાતે તેના ગામે લઈ ગયા હતા…
જે બાદ આરોપીઓએ બંને યુવાનોને બંધક બનાવી લાકડી, લોખંડના સળિયા તથા ઢીકા પાટુનો માર મારી વિકાસના ફોનમાંથી તેના પરિવાર જનોને ફોન કરાવી પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવા ધમકી આપતાં આ સમગ્ર મામલે ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૬૫, ૩૪૩, ૩૨૭, ૩૨૩, ૫૦૪, ૩૪ મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…