CM નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બંધ બારણે બેઠક શરૂ, રાજકોટ બેઠક અંગે લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય
રાજ્ય સરકાર સાથે બેઠક પહેલાં રાજપૂત સંકલન સમિતિના તમામ મુખ્ય આગેવાનોની અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક મળી હતી. લગભગ 2.30 કલાક સુધી ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી હતી. જો કે, હાલ રાજપૂત સંકલન સમિતિ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી છે.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટની બેઠક માટે મહત્વની રાત બનતી લાગી રહી છે. આજે રાજકોટ બેઠક માટે કતલની રાત ગણાઈ શકે છે. રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાને લઈને ચાલી રહેલા વિવાદ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. હાલમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી સાથે બેઠક મળી રહી છે.
એક તરફ આવતી કાલે રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ત્યારે તેની આગલી રાત્રે ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાઇ રહેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. મોડી રાત સુધી ચાલી રહેલી બેઠકમાં ક્ષત્રિય આંદોલનને લઇને મોડી રાત સુધીમાં કોઇ રસ્તો નીકળે તેવી શક્યતાઓ છે.
મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાલ સંકલન સમિતિના રમજુભા જાડેજા, તૃપ્તિબા રાઉલ, સુખદેવસિંહ વાઘેલા, પી.ટી. જાડેજા, કરણસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા, અને વાસુદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર છે. રાપર ધારાસભ્યના વિરેન્દ્રસિંહ જાડેજા અને અનિરૂદ્ધસિંહ રીબડા પણ હાજર રહ્યા છે.
આજે પાટિલે આપ્યું હતું મહત્વનું નિવેદન
પરશોત્તમ રૂપાલાના વિવાદ અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભાજપના આગેવાનો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને હું પોતે તેમના સંપર્કમાં છીએ અને તેમની સાથે વાત ચાલી રહી છે. તેનો સુખદ નિવેડો આવે તેના માટે અમે પ્રયત્નો કરી રહ્યાં છીએ અને આ બાબતે અમે ગંભીર છીએ.