વાંકાનેરના ઢુવા નજીક હાઇવે પર રોંગ સાઈડમાં આવતા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતાં યુવાનનું મોત
માટેલ મંદિરે દર્શન કરી પરત ફરતાં યુવાનના બાઇકને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક નેશનલ હાઈવે પર ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોંગ સાઈડમાં એક ડમ્પર ચાલકે માટેલ મંદિરે દર્શન કરી પરત ફરતાં ડબલ સવારી બાઇકને હડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને પણ ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે ડમ્પર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાજેશભાઈ પરમાર (ઉ.વ.૧૮, રહે. મોરબી) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ડમ્પર નં. GJ 12 BX 5944 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગતરાત્રીના ફરિયાદી તથા તેના ત્રણ મિત્રો બે બાઇક પર માટેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતાં હોય ત્યારે તેમના એક સ્પ્લેન્ડર બાઇકને વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોંગ સાઈડમાં આવતા ડમ્પર નં. GJ 12 BX 5944 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ફરીયાદીને ડાબા ખભામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની પાછળ બેઠેલા મિત્ર રોહીત વિપુલભાઇ ઝાલા(ઉ.વ. ૧૭)ના શરીર પર ડમ્પરના વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયો હતો, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪, ૩૩૭ તથા એમ.વી.એક્ટ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….