વાંકાનેરના અરણીટીંબા ગામે વ્યાજ સહિતની રકમ ચૂકતે કરી દીધી તો પણ વધુ રૂપિયા પડાવવા હવામાં ફાયરિંગ: દંપતીને મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા યુવાને એક વર્ષ
પહેલાં પાંચ ટકાના વ્યાજે ૨૦,૦૦૦ રૂપિયા લીધા હતા જેની
સામે તેણે એક મહિના પહેલા આરોપીને ૩૬,૦૦૦ રૂપિયા ચૂકવી
દીધા હતા તેમ છતાં તેની પાસેથી બળજબરી પૂર્વક વ્યાજના વધુ
૩૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરવા માટે યુવાનના ઘરે જઈને તેને
અને તેની પત્નીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી તેમજ આરોપીએ તેના પિતાએ આપેલ
રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરી ફરિયાદી તથા તેના પતિને
ડરાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને
ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં બે શખ્સોની સામે ફરિયાદ
નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા
માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા રીટાબેન ગોરધનભાઈ માંડવીયા જાતે કોળી (૨૩)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે. બંને અરણીટીંબા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓના પતિ ગોરધનભાઈ નથુભાઈ માંડવીયા જાતે કોળીએ એક વર્ષ પહેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા પાસેથી ૨૦ હજાર રૂપિયા માસિક પાંચ ટકાના વ્યાજ લેખે લીધેલા હતા જેની સામે એક મહિના પહેલા ગોરધનભાઈએ આરોપીને હિસાબ કરીને ૩૬,૦૦૦ રૂપિયા આપી દીધા હતા તેમ છતાં પણ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદીના ઘરે જઈને વ્યાજના વધુ ૩૦૦૦ રૂપિયા બળજબરીથી ઉઘરાણી કરવા માટે થઈને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે તેની સાથે રહેલ જયદીપસિંહ ઝાલાએ ગોરધનભાઈને ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે કેમ બોલે છે તેમ કહીને ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બંને શખ્સો કાળા કલરની ૭૧૧૧ નંબરની ગાડી લઈને ત્યાં આવ્યા હતા અને ત્યારે આરોપીને તેના પિતાએ આપેલ રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરીને ફરિયાદી મહિલા તથા તેના પતિને ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આઇપીસી કલમ-૩૮૭, ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦, ૪૨ તથા આર્મસ-એક્ટ કલમ-૨૫(૧-એ), ૩૦ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે