વાંકાનેર શહેરની મિલપ્લોટ ફાટક પાસે ટ્રકના વ્હીલ બાઇક સવાર પર ફરી વળતાં આધેડનું મોત
ફાટક ખુલતા સમયે ટ્રાફિક દરમિયાન ટ્રક પાછો પડતાં ડબલ સવારી બાઇકનો કચ્ચરઘાણ, પાછળના વ્હીલમાં આવી જતા આધેડનું મોત
વાંકાનેર શહેરની મિલપ્લોટ રેલવે ફાટક પાસે ફાટક ખુલવાની રાહ જોઇ ઉભેલા એક પિતા-પુત્રના બાઈક ઉપર ત્યાંથી પસાર થતો એક ટ્રક પાછો પડતા ટ્રકના વ્હીલ બાઇક ચાલક આધેડના શરીર પર ફરી વળતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત આધેડનું મોત થતાં મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમિત દિલિપભાઈ પંડ્યા(રહે. મીલ કોલોની, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા તેમના પિતા દિલીપભાઈ સુખદેવભાઈ પંડ્યા મિલપ્લોટ ફાટક ખાતે તેમના બાઇક પર ફાટક ખુલવાની રાહ જોઈ ઉભા હોય ત્યારે ફાટક ખુલતા આગળ જતાં હોય દરમ્યાન સામેથી આવતા એક ટ્રકની ડ્રાઇવર સાઈડમાં થોડે આગળ જતા આ ટ્રક એકદમ પાછો પડતા ટ્રકના પાછળના વ્હીલ પિતા-પુત્રના બાઇક પર ફરી જતા દિલીપભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવના મૃતકના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ગંભીર બેદરકારી દાખવી અકસ્માત સર્જનાર ટ્રક નં. GJ 03 BY 5352 ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….