વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચનું અપહરણ, જાતી પ્રત્યે હડધૂત કરી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ…
.પંચાયતના વહીવટ બાબતે પંચાયતના સભ્યએ ગાડીમાં અપહરણ કરી જાતી પ્રત્યે હડધૂત કર્યા, તો બીજી તરફ સગાભાઇએ માર મારી ફરિયાદ કરવાની ના પાડી દવા પી જવાની ધમકી આપી…
.વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચને ગ્રામ પંચાયતના વહીવટ બાબતે મનદુઃખ રાખી ગ્રામ પંચાયતના એક સભ્ય દ્વારા સરપંચનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ, સહીઓ કરાવી બાદમાં રસ્તામાં ઉતારી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા, જે બાદ સરપંચના સગા ભાઇએ આરોપી સામે ફરિયાદ કરવાની ના પાડી માર મારી અને જો ફરિયાદ કરીશ તો દવા પી જવાની ધમકી આપતા બાબતે ફરિયાદી સરપંચએ બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચ અને ફરિયાદી ગોપાલભાઈ સામંતભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦, રહે. જાલીડા) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી જગાભાઈ ઉર્ફે જગદીશભાઈ ખીમજીભાઈ લોહ(રબારી)(રહે. જાલીડા) અને સુરેશભાઇ સામંતભાઈ ચૌહાણ (હાલ રહે. આરોગ્યનગર, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૬ ના રોજ ફરિયાદી પોતાના ઘરે હોય ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય આરોપી જગાભાઈ પોતાની ગ્રાન્ટ વિટારા કારમાં ત્યાં આવી ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કરી લઈ જઈ અને ‘ ગ્રામ પંચાયતના વહીવટમાં હું કવ ત્યાં તારે સહી કરી દેવાની ‘ તેમ જણાવી ફરિયાદીને જાતી પ્રત્યે હડધૂત કરી બાદમાં આ વાતની કોઇને પણ જાણ કરીશ તો તને અને તારા ભાઇ ભુપતને જીવતા નહીં રહેવા દઇએ તેવી ધમકી આપી હતી.જે બાદ બીજા દીવસે સવારે ફરિયાદીના સગાભાઇ એવા આરોપી સુરેશભાઇ સામતભાઇ ચૌહાણ ત્યાં આવી ‘ ગ્રામ પંચાયતનો વહીવટ મારે અને જગાભાઈ જ કરવાનો છે, તારે અમે કહી ત્યાં સહીઓ કરી દેવાની ‘ તેમ જણાવી ફરિયાદીના માતા હિરાબેન તથા પત્ની રાણીબેનને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી અને ‘ જો આ જગાભાઇ વિરુદ્ધમાં કોઇ પોલીસ ફરીયાદ કરીશ તો હુ ઝેરી દવા પી જઇસ ‘ તેવી ધમકી આપી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ 365, 323, 504, 506(2), 114 તથા એન્ટ્રોસીટી એક્ટ 3(1)(r), 3(1)(s), 3(2)(va) મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….