રજા લેવા માટે ટ્રેઈની PSIએ બનાવ્યું સગાઈનું નકલી કાર્ડ, હવે થયા સસ્પેન
ટ્રેઈની PSIને રજા મેળવવા માટે સગાઈની નકલી પત્રિકા બનાવી હતી. પરંતુ આ રીતે નકલી સગાઈ પત્રિકા બનાવવી ભારે પડી છે. નકલી પત્રિકા મામલે ટ્રેઈની PSI સામે ફરિયાદ નોંધાઈ છે અને તેણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ફરી એકવાર ચર્ચામાં આવી છે. એકેડમીમાં ટ્રેઈની PSIએ રજા મેળવવા માટે પોતાની જ સગાઈ થતી હોવાનું નાટક રચ્યું હતું અને ઉતરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને ગેરમાર્ગે દોરીને રજા મેળવી હતી. જોકે તપાસમાં સમગ્ર કાંડ બહાર આવ્યા બાદ ટ્રેઈની PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ડભોળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ આલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ નિમી નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. આટલું જ નહીં ટ્રેઈની PSIએ નકલી સગાઈની કંકોત્રી પણ બનાવડાવી હતી અને રજા લઈને પોતાના વતનમાં ગયો હતો. જોકે ઉપરી અધિકારીને કાર્ડ નકલી લાગતા તપાસ કરાવી હતી, જેમાં આ બોગસ કંકોત્રી ડુપ્લિકેટ હોવાનું ખૂલ્યું છે.
આ રીતે ફૂટ્યો ભાંડો
રજા મેળવવા સગાઈની ખોટી કંકોત્રી છપાવનાર ટ્રેની PSIને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસની રજા મેળવવા સગાઈની કંકોત્રી છપાવી હતી. જોકે સગાઈ પત્રિકામાં અનેક લોચા હતા. તેમાં માત્ર યુવક અને યુવતીનું જ હતુ. તેમા માતાપિતા કે સરનામાનો કોઈ ઉલ્લેખ ન હતો. ઉપરી અધિકારીએ શંકા જતા તેઓએ તપાસ કરાવી હતી. જેથી ઈન્સ્પેક્ટર વાઘેલાને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી. જેથી તેઓએ ટ્રેઈની પીએસઆઈ મુન્નાભાઈના ઘરે જઈને તપાસ કરી હતી, તો તે માહિતી ખોટી નીકળી હતી. ગામમાં જઈને પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. મુન્નાભાઈની પોલ ખૂલી હતી.
નોંધાઈ ફરિયાદ
તપાસમાં ટ્રેઈની PSIનો કાંડ ખુલી જતા તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ડભોડા પોલીસ સ્ટેશનમાં નકલી PSI સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. નોંધનીય છે કે, ઉપરી અધિકારીઓને સમગ્ર મામલાની જાણ થઈ જતા શિષ્તભંગના પગલા લેવામાં આવ્યા હતા.