વાંકાનેર તાલુકામાં દારૂના કટીંગ સમયે પોલીસની રેડ: ૨૪૦ બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સહિત ચાર વાહનો સાથે એકની ધરપકડ, ત્રણ ફરાર: ૪.૭૨ લાખનો મુદ્દામાલ કબજે
વાંકાનેર તાલુકાના ઢુવાથી લાકડધાર ગામ તરફ જવાના રસ્તા ઉપર બંધ પડેલા સીરામીક કારખાનાની પાછળના ભાગમાં ખુલ્લા મેદાનમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવા અંગેની ચોક્કસ હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી અને જો કે, પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો અને ત્યાંથી કુલ મળીને ૨૪૦ બોટલ દારૂ, મોબાઈલ ફોન, બે કાર અને બે બાઈક આમ કુલ મળીને ૪,૭૨,૧૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરેલ છે જોકે ત્રણ શખ્સો નાસી ગયા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તથા દારૂ મોકલાવનાર અને તપાસમાં ખુલે તે સહિતના આરોપીઓને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સંજયસિંહ જાડેજા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામથી લાકડધાર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ બંધ પડેલ સ્વીફ્ટ સિરામિકની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઇકો ગાડીમાં દારૂની બોટલો ભરી લાવીને જુદા જુદા વાહનોમાં આવેલા શખ્સો તે દારૂની બોટલ લઈ જઈ રહ્યા હતા દરમિયાન પોલીસની રેડ પડતાની સાથે જ ત્યાં દારૂની હેરાફેરી કરી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે ૨૪૦ બોટલ દારૂનો જથ્થો ભરેલ ઈકો ગાડી નંબર જીજે ૩ એમએચ ૪૮૬૭ કબજે કરી હતી અને સ્થળ ઉપરથી ઇકો ગાડી, સ્વિફ્ટ ગાડી અને બે બાઈક તથા દારૂનો જથ્થો આમ કુલ મળીને ૪,૭૨,૧૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં મેરાભાઈ હરેશભાઈ ભાટીયા જાતે રજપુત રહે હાલ ઊંચી માંડલ મોરબી મૂળ રહે કોઢ તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તે તેના મિત્ર કુલદીપ ખુમાણભાઇ પઢિયાર રહે હાલ રામકો સોસાયટી ઘુંટુ મૂળ રહે ધર્મેન્દ્રગઢ તાલુકો મુળી વાળા સાથે બાઈક નંબર જીજે ૧૩ એક્યુ ૬૫૧ લઈને ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા માટે થઈને આવ્યા હતા તેમજ પ્રવીણભાઈ કેશુભાઈ પરમાર રહે હાલ રામકો સોસાયટી ઘુટુ વાળા બાઈક નંબર જીજે ૩૬એઈ ૫૦૫૮ લઈને ઇંગલિશ દારૂ લેવા માટે થઈને આવ્યા હતા તેવું તેણે જણાવેલ છે જોકે ઈકો ગાડીના ચાલકનું નામ ઠામ તેને ખબર ન હોવાનું તેને પોલીસને જણાવ્યું છે જેથી કરીને હાલમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને મારુતિ સ્વીફ્ટ કારના ચાલક સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે તેમજ દારૂ મોકલાવનાર અને તપાસમાં જેના નામ ખુલે તે તમામને પકડવા માટે થઈને વાંકાનેર તાલુકા
પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે