વાંકાનેર તાલુકાના ફૂલેત્રા સ્ટીલ કંપનીના પ્રદૂષણથી થાક્યા કણકોટના ગ્રામજનો…
ખીજડીયાની જમીનમાં સ્થપાયેલ ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ ચાલુ થતાં જ પ્રદૂષણની માત્રા કણકોટના લોકોને જેવા મળી હતી અને કણકોટના જાગૃત લોકો દ્વારા ૩ જાન્યુઆરીના દિવસે કણકોટ ગામના ચોકમાં એક મીટીંગનું આપોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના સરપંચ અને ગ્રામ લોકોએ હાજરી આપી હતી.
આ મિટિંગમાં ઉસ્માનગની શેરસિયા દ્વારા ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં શું નુકશાન થશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આવા પ્રોજેક્ટ કે જર્મન સ્ટીલ, ઈ. ટી. સ્ટીલ, એસ્સાર સ્ટીલ, ગેલેન્ટ સ્ટીલ, નેશનલ સ્ટીલ, કામઘેનુ સ્ટીલ બનાવતી કંપની અને તેની નજીકના ખેડૂતોને થયેલ નુકશાન વિશે સમજ આપી હતી, આવા પ્રોજેક્ટના કારણે આજુબાજુની વિસ્તારની જમીનો ચરિયાણ માટે પણ યોગ્ય રહેશે નહિ. આવા પ્રોજેક્ટો દ્વારા જે રીતે કોલસો વપરાશ કરવામાં આવે છે પણ તેને મળેલ પર્યાવરણીય મંજૂરીના નિયમોનું પાલન કરતાં નથી જેના કારણે આજુબાજુના વિસ્તારમાં કોલસાની ભૂકી ખેતીના પાકને નુકશાન કરશે અને આજુબાજુના લોકોના શ્વાસમાં કોલસાની ભૂકી જશે તો ફેફસાના રોગોમાં વધારો થશે અને આ કોલસાની ભૂકી ચરિયાણ જમીનમાં પથરાશે અને તે કોલસાની ભૂકી વાળું ધાસ પશુઓ ખાશે તો તેના આરોગ્ય પર પણ ખતરો ઉભો થશે, બીજા પણ ઘણા ઉદાહરણ સાથે ઘણી બધી માહિતી આપી હતી.
ત્યાર બાદ આ મિટિંગમાં આવેલ અર્જુનસિંહ વાળા એ ગામની એકતા રાખીને આવા પ્રોજેક્ટ સામે લડવું જોઈએ અને તેના નફા માટે આપણે આપણાં આરોગ્યને નુકશાનમાં શા માટે મૂકીએ ? તેમજ તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની લોક સુનાવણી વખતે ઉસ્માનભાઈ સિવાય કોઈએ વિરોધ કર્યો ન હતો પણ તમારા જ ગામના લોકો દ્વારા ઉસ્માનભાઈનો વિરોધ કર્યો હતો પણ હવે લોકોને ખબર પડી ગઈ કે કોણ સાચું અને કોણ ખોટું હતું ? ઘણાં લોકો એમ પણ કહ્યું હતું કે ઉસ્માનભાઈને પૈસા ખાવા છે એટલે આ કંપનીનો વિરોધ કરે છે પણ વિરોધ શા માટે કરતાં હતા તે હવે આપણને બધાને સમજાય ગયું ને ?
ત્યાર બાદ વકાલિયા નજરૂદીન દ્વારા ગામ બધા લોકો સાથે મળીને આવી રીતે આપણે વિરોધ કરીશું તો આવી કેટલીય કંપનીઓને અહીંયાથી જવું પડશે પણ આપણે બધાએ સાથે રહીને લડવું પડશે તેવી વાત કરી હતી, ત્યાર બાદ હરપાલ સિંહ દ્વારા પોતાના ઘર પર આવતા કોલસાની ભૂકી વિશે વાત કરી હતી અને કંપનીએ આજુબાજુના ગામના સરપંચ પાસે ખોટું બોલીને પંચાયતના લેટર મેળવ્યા હતા તેની વાત કરી હતી.
આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે તેને પંચાયત દ્વારા ગ્રામસભા ભરીને ઠરાવ કરીને નોટિસ આપવી અને કંપની દ્વારા કણકોટ ગામના ગૌચર પણ દબાણ કરેલ છે તેને પંચાયત ધારાની કલમ ૧૦૫ મુજબ નોટિસ આપીને તોડી પાડવું અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં એક ફરિયાદ થયેલ હતી અને બીજી ફરિયાદ કરવી જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બે અધિકારીઓ દ્વારા ગઈકાલે કણકોટ આવીને આજુબાજુના ખેડૂતોના કોથમી, રીંગણી, તુવેર, કપાસ, દૂધી, મરચાં જેવા ખેતીના પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફોટો લેવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોએ બનાવેલ ખુલ્લી પાણીની કુંડી અને ટાંકાનું નિરીક્ષણ કરવામાં આવતા તેમાં કોલસાની ભૂકી જોવા મળેલ હતી અને ગામની માધ્યમિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.