વાંકાનેર પાસે બાઇક ચાલકે સગર્ભા મહિલાને હડફેટે લેતા પેટમાં રહેલા બાળકેને માથામાં હેમરેજ થવાથી મોત
વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામની સીમમાં મારુતિ મિનરલ કારખાનાના ગેઇટની સામેથી સગર્ભા મહિલા પસાર થઈ હતી ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે મહિલા નીચે પેટ ભર પડી હતી જેથી કરીને તેને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં સિઝેરિયન કરીને બાબાનો જન્મ કરાવેલ હતો જો કે, બાબાને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હોવાથી તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા બાઇક ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ આયોટા સિરામિકની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા લક્ષ્મીબેન માગયા સેલાય બીરુવા (૨૮)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩ કેએલ ૭૧૯૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, રાણેકપર ગામની સીમમાં મારુતિ મિનરલ કારખાનાના ગેઇટની સામે સર્વિસ રોડ ઉપરથી તેઓ પગપાળા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં ફરિયાદી મહિલા સગર્ભા હોય તેઓ પેટ ભર જમીન ઉપર નીચે પડતાં તેને પેટમાં ગંભીર ઇજા થઈ હતી અને ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું અને જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની જનના હોસ્પિટલ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પણ મહિલાને ગુપ્ત ભાગેથી બ્લડિંગ ચાલુ જ રહેતું હોય સિઝેરિયન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો જોકે, અકસ્માતના આ બનાવમાં ગર્ભમાં રહેલા બાળકને પણ માથામાં હેમરેજ જેવી ઈજા થઈ હોવાથી બાળકનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે