વાંકાનેર નજીક લિંબાળા ગામ પાસે પમ્પિંગ સ્ટેશનમાંથી ૪.૮૦ લાખના ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી
વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના હેડ વર્ક ખાતે ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪.૮૦ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની હાલમાં
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
અમદાવાદના વટવા ગામે ધર્મભૂમિ સોસાયટી ખાતે રહેતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા જાતે પટેલ (૫૪)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ લિંબાળાની ધાર પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું હેડ વર્ક આવેલ છે અને ત્યાં પંપીંગ સ્ટેશન ખાતેથી ગામડાઓને પાણીની સપ્લાય કરવામાં આવતી હોય છે જોકે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન હેડ વર્ક ખાતે પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરીને ચાલુ ટ્રાન્સફોર્મર ૪૦૦ કેવીએ માંથી ૫૦૦ કિલો કોપર વાયર તેમજ સ્પેર ટ્રાન્સફોર્મર ૨૫૦ કેવીએ માંથી ૩૦૦ કિલો કોપર વાયર આમ કુલ મળીને ૮૦૦ કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને કોપર વાયરની એક કિલોની કિંમત ૬૦૦ લેખે કુલ મળીને ૪.૮૦ લાખના કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૫૪ અને ૩૮૦ મુજબ ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ કે.કે. ચાનીયા ચલાવી રહ્યા છે