
વાંકનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં લાંબો સમય વીતવા છતાં એક પણ વગદાર આરોપીઓ પોલીસ ગિરફ્તમાં ન આવતા અનેક આક્ષેપો થયા હતા. પોલીસ રાજકીય ઈશારે આરોપીઓને છાવરતા હોવાના આરોપ વચ્ચે ગઈકાલે એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ આ બન્ને આરોપીઓને વાંકાનેર પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી ટોલનાકુ કેટલા સમયથી ચાલુ અને કુલ કેટલી રકમનો સરકારને ચુનો લગાવ્યો ? આ નકલી ટોળનાકા કોઈ મોટા માથાનો દોરી સંચાર છે કે કેમ તેમજ તેઓ ક્યાં છુપાયા અને ફરાર આરોપીઓના લોકેશન વિશે પૂછપરછ કરાશે તેવું પોલીસ અધિકારી પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું.