માલધારીની વાડીમાં ઘુસી મારણ કર્યું
વાંકાનેર : વાંકાનેર પંથકના ફરી દીપડાએ રંજાડ શરૂ કરી હોવાના અહેવાલો વચ્ચે રામપરા વિડી વિસ્તાર નજીક આવેલ મહિકા અને હોલમઢ વચ્ચેની માલધારીની વાસીમાં ઘુસી દીપડાએ એક વાછરડીનું મારણ કરતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીપડાના સગડ મેળવવા તેમજ જરૂર જણાયે પીંજરું ગોઠવવા તજવીજ શરૂ કરી છે.વાંકાનેર તાલુકામાં જંગલ વિસ્તારને કારણે રાનીપશુ દીપડાઓની વસ્તીમાં વૃદ્ધિ વચ્ચે છાસવારે દીપડાઓ પશુઓનું મારણ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં થોડો સમય રાહત રહ્યા બાદ ગઈકાલે વાંકાનેર તાલુકાના હોલમઢ અને મહિકા વચ્ચે આવેલ કાબરાની ઢાળ વાળી સીમમાં ગેલાભાઈ ભરવાડની વાડીએ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું.વાંકાનેર વન વિભાગના અધિકારી નરોડીયાભાઈએ દીપડાએ કરેલા મારણ અંગેના બનાવની પુષ્ટિ કરી જણાવ્યું હતું કે, હાલના વન વિભાગે વળતર સહિતની બાબતે કાર્યવાહી કરી છે અને જો આગામી દિવસોમાં આ વિસ્તારમાં દીપડાની રંજાડ વધશે તો પાંજરું મૂકી દીપડાને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવશે.