સુરત માં ઉધના વિસ્તાર માં આવેલ અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં લાગેલી આગનો ભેદ ઉકેલાયો, પેટ્રોલ ચોરી કરતી વેળાએ સિગારેટ સળગાવતા આગ લાગી હતી
સુરતના ઉધના તરણકુંડ પાસે આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ગત 13 નવેમ્બરના રોજ આગ લાગી હતી. જેમાં 18 મોટર સાયકલ તેમજ 20 ડીજીવીસીએલ કંપનીના ઇલેક્ટ્રિક મીટર તથા વાયરીંગ બળીને કુલ 5.84 લાખ જેટલું નુક્શાન થયું હતું. આ ઘટનામાં પોલીસે એક કિશોર સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા ગયા હતા. આ દરમિયાન માચીસથી સિગારેટ સળગવતા આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરતના ઉધના તરણકુંડની બાજુમાં અક્ષરકુંજ એપાર્ટમેન્ટ આવેલું છે. ગત 13 નવેમ્બર 2023ના રોજ રાત્રીના 3.30 વાગ્યાના સમયે એપાર્ટમેન્ટના વિભાગ-એના પાર્કિંગમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ત્યાં રહેલા 18 મોટર સાયકલ તેમજ ડીજીવીસીએલ કંપનીના 19 મીટર એક થ્રીફેઝ મીટર તથા અન્ય વાયરીંગ આગની ઝપેટમાં આવી જતા કુલ 5.84 લાખનું નુકશાન થયું હતું. આ બનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી.ઉધના પોલીસની ટીમે આ બનાવમાં 42થી વધુ CCTV કેમેરા તપસ્યા હતા અને આ ઘટનામાં આયુષ બાદલભાઈ કુશવાહ [ઉ.20] તથા ઉર્વેશ ગીરીશભાઈ પટેલ [ઉ.20] અને એક કિશોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ત્રણેય લોકો ત્યાં પેટ્રોલ ચોરી કરવા માટે ગયા હતા.
આ દરમિયાન કિશોર મોપેડ લઈને વોચમાં રહી એપાર્ટમેન્ટમાં આંટાફેરા મારતો હતો અને પેટ્રોલ ચોરી કરવા ગયેલા આયુષ બાદલ કુસ્વાહએ સિગારેટ પીવા માટે માચીસથી સિગારેટ સળગાવતો હતો. ત્યારે આગ લાગી જતા આ બનાવ બન્યો હતો. વધુમાં ઝડપાયેલા આયુષ કુશવાહ સામે અગાઉ ઉધનામાં 2 અને ઉમરા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત