વાંકાનેરમાં આવેલા જુના જીઈબી મકાનનો ઇમલો તોડતી વખતે દૂર્ઘટના સર્જાઇ હતી. જેમાં છત માથે પડતાં દબાઇ જવાથી એમપીના બે મજૂરના મોત થયા છે.જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં જુની જીઇબી કચેરી જ્યાં અગાઉ બેસતી હતી તે મકાનનો ઇમલો હાલમાં ખાનગી પાર્ટીએ ખરીદી લીધો હોઇ જુનુ બાંધકામ તોડવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં મજૂરો કામે આવ્યા હોઇ ગઇકાલે આ બાંધકામ તોડતી વખતે છત માથે પડતાં બે મજૂર દબાઇ ગયા હતાં. જેમાં મુળ મધ્યપ્રદેશના રાજેશ બાલસીંગ પરમાર (ઉ.વ.૧૮)નું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે મુળ એમપીના મુનસિંગ મોહનભાઇ ડામોર (ઉ.વ.૪૫)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર મુનસિંગ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં ચાર પુત્ર અને ચાર પુત્રી છે. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
