વાંકાનેરમાં જમીનના દલાલને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા સાત વ્યાજખોરોની સામે ફરિયાદ
વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર ખાતે રહેતા અને જમીનની દલાલીનું કામ કરતાં યુવાને સમયાંતરે રૂપિયાની જરૂર હોવાથી જુદાજુદા સાત વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણું વધારે વ્યાજ ચૂકવી આપેલ છે તો પણ તેની પાસેથી પેનલ્ટી વસૂલ કરવા માટે ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવેલ છે અને તેને મોતનો ભય બતાવીને કાર અને જમીનના સોદાખત કરાવી લીધેલ છે તેમજ કોરા અને રકમ લખેલા ચેક સહી કરાવીને મેળવી લીધેલ છે તેમજ જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા પઠાણી ઉઘરાણી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મુળ લુણસર ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર ખાતે રહેતા અને જમીનની દલાલીનું કામ કરતાં ગેલાભાઇ ઉર્ફે વિનુભાઇ શીવાભાઇ સાપરા જાતે તળપદા કોળી (૪૫)એ વાંકનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જીતુભા નટવરસિહ ઝાલા રહે. જેતપરડા, કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલા ઉર્ફે કાદુ રહે. વધાસીયા, હરેશ લખમણદાસ કટારીયા ઉર્ફે હરૂ રહે. વાંકાનેર, ગગજી હમીરભાઇ જોગરાણા રહે. વીજડીયા, વિશાલસિંહ રામદેવસિંહ ઝાલા રહે. જેતપરડા, નરેન્દ્રસિંહ રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર અને વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલા રહે. વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, છેલા સાડા ત્રણ વર્ષમાં તમામ આરોપીઓએ નાણા ધિરધાર લાયસન્સ વગર ગે.કા. રીતે ફરીયાદીને રોકડ રૂપિયા વ્યાજે આપેલ હતા તેની સામે લાકડા જેવુ વ્યાજ પણ લેવામાં આવેલ છે
જેમાં ફરિયાદીને જીતુભા નટવરસિહ ઝાલાએ રૂપિયા ૧૭,૦૦,૦૦૦ આપેલ જેની સામે ૪૧,૭૦,૦૦૦ આપી દીધેલ છે, કૃષ્ણસિહ મંગળસિંહ ઝાલાએ ૧૭ લાખ આપેલ જેની સામે ૫૫,૯૬,૦૦૦ આપી દીધેલ છે, હરેશ લખમણદાસ કટારીયાએ ૨૦ લાખ આપેલ તેની સામે ૬ ચેક તથા સોનાનો ચેન-૧ ચાર તોલાનો જેની કિંમત બે લાખ તથા ધંધાના નફાની ૯ વિધા જમીન તથા વ્યાજના રૂપિયા ૧,૨૮,૦૦,૦૦૦/- આપેલ છે, ગગજી હમીરભાઇ જોગરાણાએ ૧૨ લાખ આપેલ જેની સામે ૧૯ લાખ ચુકવી આપેલ છે, વિશાલસિંહ રામદેવસિંહ ઝાલાએ ૧૬,૫૦,૦૦૦ આપેલ જેની સામે ૨૭,૬૪,૫૦૦ જેટલી રકમ આપેલ છે, નરેન્દ્રસિંહએ ૪ લાખ આપેલ જેની સામે ૫,૫૮,૦૦૦ ચુકવી આપેલ છે તથા વિનુભા ઉર્ફે વિરેન્દ્રસિંહ નટુભા ઝાલાએ ૧૭,૫૦,૦૦૦ આપેલ જેની સામે જમીન સહિત કુલ ૨૯,૬૯,૦૦૦ ચુકવી આપેલ છે
તેમ છતા તમામ આરોપીઓ અલગ અલગ રીતે ફરીયાદી પાસેથી તેની સહિ વાળા કોરા ચેકો તેમજ રકમવાળા ચેકો બળજબરીથી કઢાવી લઇ તથા ફરીયાદીની માલીકીની કારનુ સોદાખત કરાવી લઇ તેમજ ફરીયાદીની માલીકીની જમીનનુ સોદાખત કરાવી કરાવી લઇ આજદિન સુધીમાં દરેક આરોપીઓએ ઉપરોક્ત અલગ અલગ રૂપીયાઓ ઉંચા વ્યાજે ફરીયાદીને આપી ૧૦ ટકા સુધીના ઉંચા વ્યાજની રકમ વસુલી લઇ ફરીયાદીએ તે વ્યાજની રકમ ચુકવેલ હોવા છતા તેની પેનલ્ટી ચડાવી ફરીયાદીને વધુ વ્યાજની રકમ માટે દબાણ કરી ગાળો આપી ફોનમાં પણ જેમ ફાવે
તેમ ભુંડી ગાળો આપી વ્યાજ નહિ આપે તો ફરીયાદીને મૃત્યુ નિપજાવવાના ભયમાં મુકી તેમજ તેની જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા સોદાખત કરાવી વધુ વ્યાજ સાથે મુદલ રકમ ચુકવવા પજવણી કરી ઉઘરાણી કરતા હોવાથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી.કલમ ૩૮૬, ૩૮૭ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ -૨૦૧૧ કલમ- ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે