કેરાળા ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો….
વઘાસીયા ટોલનાકા નજીક ફાયરીંગ પ્રકરણમાં ફરાર આરોપી વૃદ્ધ પર ચાર શખ્સોએ હુમલો કર્યો’તો, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત….
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં નવા વર્ષના દિવસે થયેલ ફાયરિંગ પ્રકરણમાં ફરાર આરોપી પર વઘાસીયા નજીક બે દિવસ પૂર્વે ચાર શખ્સોએ હુમલો કરી બેફામ માર માર્યો હતો, જેમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે મધ્યરાત્રિના આ ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે….
બનાવની આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. ૧૪, મંગળવારના રોજ બેસતા વર્ષના દિવસે વાંકાનેરના કેરાળા ગામે આધેડ પર પિતા-પુત્ર દ્વારા ફાયરિંગ કરાયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગયો હતો, જે બાદ આ બનાવમાં ફરાર આરોપી લાખાભાઈ ગોરાભાઈ બાંભવા (ઉ.વ. 65, રહે. હાલ ધમલપર-૨, મુળ રહે. કેરાળા) પર ગત ગુરુવારે બપોરના સમયે વઘાસીયા ફાટક નજીક નથુભાઈ ભગાભાઈ ગોલતર (રહે. કેરાળા) અને તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી બેફામ મારી લાખાભાઈ બાંભવા હાથ અને બંને પગ ભાંગી નાંખ્યા હતા, જેથી તેમને તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે મધ્યરાત્રિના લાખાભાઈ ગોરાભાઈ બાંભવાનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે….
બાબતે બનાવની જાણ થતાં જ હાલ વાંકાનેર સીટી પોલીસ કાફલો વધુ તપાસ અર્થે હોસ્પિટલ ખાતે જવા રવાના થયો હોવાની માહિતી મળી રહી છે. તેમજ હાલ કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કેરાળા ગામે ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હાલ પોલીસ દ્વારા આ બનાવમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરવામાં આવી છે…