– 21 ને 22 ઓકટોબર બે દિવસ દરમિયાન નિગમના તમામ કર્મચારીઓ કરશે આંદોલન- ઘણા સમયથી રજાઓ અને પગાર સહિતની વિવિધ માંગણીઓ પેન્ડિંગ
આજથી રાજ્યના એસટીના કર્મચારીઓ આંદોલન ઉપર ઉતર્યા છે. એસટીના કર્મચારીઓ પોતાની માંગણીઓ સંતોષાય ન ત્યાં સુધી એસટી નિગમના તમામ કર્મચારીઓ કાળીપટ્ટી પહેરી પોતાની ફરજો બજાવી વિરોધ નોંધાવશે. તા.20-10ના રોજ નિગમના દરેક વિભાગ-ડેપો ખાતે પડતર માંગણીઓ બાબતે વિભાગીય નિયામક, ડેપો મેનેજર મારફત નિગમના વડાને આવેદનપત્ર પાઠવશે.તારીખ 21 ને 22 ઓકટોબર બે દિવસ દરમિયાન નિગમના તમામ કર્મચારીઓ રાજયના મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી તેમજ નિગમના વડાને ટેક્ષ મેસેજ, ટવીટર, સ્ટેટસ સોશીયલ મીડીયા મારફત પડતર માંગણીઓ રજુ કરશે. જયારે તા.25/26/27 ત્રણ દિવસ નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન પોતાના ફરજના સ્થળે કે મુખ્ય કચેરી. મંત્રાલય સહિતની કચેરીઓ વર્કશોપ, ડેપો ખાતે નિગમની પ્રિમાઈસીસની બહાર રહી સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે.એસટી કર્મચારીઓની માંગણી છે કે તેમને મોંઘવારી ભથ્થાની 11 ટકા અસર, સાતમા પગાર પંચ મુજબનું સુધારેલુ ઘરભાડા ભથ્થુ, ફિકસ પગારવાળા કર્મચારીઓને રૂા.19950નો લાભ આપવા, પગાર વિસંગતતા, મિકેનિકલ સ્ટાફને જાહેર રજાનો લાભ સહિતના એસટી કર્મચારીઓનો પડતર પ્રશ્નો છે. જેનો સરકાર દ્વારા આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. આથી હવે કર્મચારીઓ રોષે ભરાયા છે હવે એસ.ટી. કર્મચારી યુનિયન ગુજરાત રાજય, દ્વારા અગાઉથી અપાયેલા એલાન અનુસાર આજે તારીખ.20થી એસટી કર્મચારીઓનું રાજય વ્યાપી આંદોલન શરૂ કરશે. એસ.ટી.ના કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપવામાં આવ્યુ ત્યારે એસ.ટી.ના ડ્રાઈવર-કંડકટરને વર્ગ-૩માં ગણતરી કરવામાં આવતી હતી પણ અત્યાર સુધી વર્ગ-૪નો પગાર ચુકવી અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ માંગણીને સરકાર તથા વહીવટીતંત્રએ સ્વીકારી ડ્રાઈવરને વર્ગ-૩નો પગાર આપવા તૈયાર થયા અને ડ્રાઈવરનો ગ્રેડ પે ૧૬૫૦માંથી ૧૮૦૦ કરી આપવામાં આવ્યો. જ્યારે કંડક્ટરનો ગ્રેડ પે ૧૪૦૦માંથી ૧૬૫૦ કરી આપ્યો પરંતુ તેઓનો પગાર વર્ગ-૩ મુજબનો થયો નહીં. કંડક્ટર કર્મચારીઓની માંગણી હતી કે, વર્ગ-૩નો જ પગાર મળવો જોઈએ.