વાંકાનેરના વસુંધરા નજીક ફોરેસ્ટના વનપાલ સહિત બે કર્મચારી ઉપર છરી વડે હુમલો: ત્રણ શખ્સોની સામે ફરિયાદ
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં ફોરેસ્ટના પ્રતિબંધિત વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને ચેક કરવાનું કહેતા બાઈક ચાલક વનપાલ તથા તેની સાથે રહેલા વ્યક્તિને ગાળો આપીને ત્યાંથી નીકળી ગયો હતો ત્યારબાદ વનપાલ અને તેની સાથે રહેલા કર્મચારી વાડી ઝડતી લેવા માટે ગયા હતા ત્યારે તેની ફરજમાં રૂકાવટ કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને માલ ઢોર કેમ પૂરી દીધેલ છે તેવું કહીને ઢિકાપાટુનો માર માર્યો હતો તથા વનપાલ સાથે રહેલા કર્મચારીના યુનિફોર્મનું સોલ્ડર ફાડી નાખવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા સરકારી કર્મચારી દ્વારા ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે સામા પક્ષેથી પણ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના મવડી પ્લોટમાં આવેલ ધરમનગરમાં રહેતા અને હાલમાં વાંકાનેર ફોરેસ્ટ કોલોની ખાતે રહેતા અને વનપાલ તરીકે ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા રાહુલભાઈ આયદાનભાઈ વાંક જાતે બોરીચા (૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા, વિરમભાઇ ગેલાભાઈ લાંબરીયા અને વિહાભાઈ ગેલાભાઈ લાંબરીયા રહે. ત્રણેય વસુંધરા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વસુંધરા ગામની સીમમાં ફોરેસ્ટના પ્રતિબંધિત વિસ્તારમાંથી યોગેશભાઈ મકવાણા બાઈક નંબર જીજે ૩ એ ૮૬૮૫ લઈને નીકળ્યા હતા જેને રોકીને ચેક કરવાનું કહેતા યોગેશભાઈ મકવાણા ફરિયાદી રાહુલભાઈ તથા તેની સાથે રહેલા સરકારી કર્મચારીઓને ગાળો આપીને પોતાનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા જેથી કરીને ફરિયાદી તથા તેની સાથે રહેલા સરકારી કર્મચારી તેની વાડીએ ઝડતી કરવા માટે થઈને ગયા હતા ત્યારે યોગેશભાઈ મકવાણાએ ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને તેની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ઇજા કરી હતી અને વિરમભાઈ તથા વિહાભાઇએ ફરિયાદી અને તેની સાથેના કર્મચારીને અમારા માલ ઢોર કેમ પૂરી દીધેલ છે તેમ કહીને કાઠલો પકડીને ધક્કો માર્યો હતો અને લાકડી વડે શરીરે માર માર્યો હતો તેમજ વિરમભાઇએ ફોરેસ્ટના કર્મચારી ખેંગારભાઈનો કાંઠલો પકડીને યુનિફોર્મનું સોલ્ડર ફાડી નાખ્યું હતું અને સરકારી કર્મચારી ઉપર હુમલો કર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વનપાલ રાહુલભાઈ વાંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ અને જીપી એક્ટની ૧૩૫ કલમ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જ્યારે સામાપક્ષેથી વિરમભાઈ ગેલાભાઈ લાંબરીયાની વાડીએ રહેતા યોગેશભાઈ અમરશીભાઈ મકવાણા જાતે કોળી (૨૬)એ રાહુલભાઈ વાંક અને એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ફરિયાદી પોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતો હતો ત્યારે રસ્તામાં ફોરેસ્ટર રાહુલભાઈ વાંક ઢોર હકાવી જતા હોય ફરિયાદી યુવાન ત્યાં ઉભો રહીને જોતો હોય જે રાહુલભાઈને સારું નહીં લાગતા તેણે ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી ત્યારબાદ રાહુલભાઈ અને તેની સાથે એક અજાણીઓ માણસ તેઓની વાડીએ આવ્યો હતો અને બોલાચાલી કરી હતી ત્યાર બાદ ફરિયાદીને રાહુલભાઈએ છરી ખભાના ભાગે મારીને ઇજા કરી હતી જ્યારે બીજા માણસે તેને પગમાં મૂઢમાર મારીને ગાળો આપીને ઇજા કરી હતી જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે