રોડ પરના દબાણ દૂર કરવા ગયેલા AMCના DYMC સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલો, 16 સામે ફરિયાદ
રોડ પરના દબાણ દૂર કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલો કરવામા આવ્યો છે. અસારવામાં સિવિલ હોસ્પિટલના કોર્નર પર ઉભી રહેતી લારીઓ હટાવવા મામલે ધર્ષણ સર્જાતા આ બનાવ બન્યો છે, જેમાં 16 લોકો સામે હત્યાના પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો શાહીબાગ પોલીસ મથકે દાખલ કરાયો છે.
અમદાવાદ શહેરમાં ફરી એક વાર સરકારી કર્મચારી અને અધિકારી પર જીવલેણ હુમલાની ઘટના બની છે. અત્યાર સુધીમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે હવે રોડ પરના દબાણ દૂર કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલો કરવામા આવ્યો છે. અસારવામાં સિવિલ હોસ્પિટલના કોર્નર પર ઉભી રહેતી લારીઓ હટાવવા મામલે ધર્ષણ સર્જાતા આ બનાવ બન્યો છે, જેમાં 16 લોકો સામે હત્યાના પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો શાહીબાગ પોલીસ મથકે દાખલ કરાયો છે.અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં આસિસટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા સાગર પીલુચીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પીટીશન અંતર્ગત રોડ પરના દબાણ દૂર કરવા મામલે તેઓની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઝોનલ એસ્ટેટને લગતા દબાણને દૂર કરવા, વાહનો લોક કરવાની કામગીરી કરવામાં આવતી હતી. મધ્ય ઝોન ખાતે અસારવા બળીયા લીંબડી રોડ તથા બી.જે મેડિકલ કોલેજ પાસેના વિસ્તારમાં મોડી રાત સુધી ચાલતી ખાણીપીણીની લારીઓ દૂર કરવાનો આદેશ હાઈકોર્ટ તરફથી મળ્યો હતો.25મી ઓક્ટોબરના રોજ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટ અને સમગ્ર ટીમ જેમાં ડ્રાઈવર અને 6 મજૂરો સાથે રાતના સાડા દસ વાગ્યા આસપાસ સિવિલ કોર્નર ટ્રાફિક પોલીસ ચોકીની નજીક પહોંચ્યા હતા. જ્યાં લારી ચલાવતા ચાલકો સાથે અગાઉ પણ અનેક વાર લારીઓ હટાવી લેવા માટે બેઠકો કરવામા આવી પરંતુ લારી માલિકો દ્વારા ગોળ ગોળ જવાબ આપી લારીઓ હટાવવામા આવતી ન હતી. મહિલા ફ્રાય સેન્ટરના માલિક કનુ ઠાકોર તેમજ દિપાજી ઠાકોર અને જય ગોગા ભાજીપાંઉ સેન્ટરના માલિક વિશાલ ઠાકોર અને તેની સાથેના અંકિત ઠાકોર, રવિ રાઠોડ, જગદીશ ઝાલા, નરેશ રાવત તમામ ત્યાં હાજર હતા.DYMC રમ્યકુમાર ભટ્ટે તમામ લારી ચાલકોને ત્યાંથી લારી હટાવવાનું કહેતા તમામે લારી હટાવવાની ના પાડી હતી. જેથી તેઓએ મજૂરોને લારીઓ દબાણની ગાડીમાં ભરી લેવાનો આદેશ કર્યો હતો. જેના કારણે તમામ લારી માલિકો ઉશ્કેરાયા હતા અને ઝધડો કર્યો હતો. જે સમયે કનુ ઠાકોરે ફરિયાદી સાગર પીલુચીયાની બોચી પકડી ઝપાઝપી કરતા રમ્યકુમાર ભટ્ટ અને અન્ય માણસો તેઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા. જે બાદ કનુ ઠાકોર અને દિપાજી બન્ને જણા લારી પર નોનવેજ બનાવવા માટે વપરાતા લોંખડના સળીયા લઈને આવ્યા હતા અને આજે આ લોકોને અહિથી જીવતા જવા દેવા નથી, તેમ જણાવી સળીયાથી રમ્યકુમાર ભટ્ટ પર ઉપરાછાપરી હુમલો કર્યો હતો. જે બાદ લારી માલિકો અને એએમસીની ટીમ વચ્ચે ધર્ષણ વધતા મારામારી થઈ હતી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામા આવતા પોલીસ આવતા તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટને હુમલામાં ગંભીર ઈજાઓ થતા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.શાહીબાગ પોલીસે આ મામલે કનુ ઠાકોર, દિપાજી ઠાકોર, વિશાલ ઠાકોર, અંકિત ઠાકોર, રવિ રાઠોડ, જગદીશ ઝાલા, નરેશ રાવત, ચિરાગ ઝાલા અને સંદિપ રાવત સહિત 7 અજાણ્યા શખ્સો મળી કુલ 16 આરોપી સામે રાયોટીંગ અને હત્યાના પ્રયાસ સહિત મારામારીની ફરિયાદ નોંધાઈ છે. શાહીબાગ પોલીસે મોડી રાત સુધી કાર્યવાહી કરીને અમુક આરોપીઓની અટકાયત કરી અન્યની શોધખોળ હાથ ધરી છે