વાંકાનેરમાં રહેતાં ૨૦ વર્ષના યુવાનને પોતાનાથી બમણી ઉમરની પાંચ સંતાનની માતા સાથે પ્રેમ થઇ જતાં અને બાદમાં માથાકુટ થતાં આ યુવાનને મહિલાએ ફોસલાવીને ગાંધીધામના દુધઇ ગામે ઉર્ષમાંલઇ ગયા બાદ પતિ સાથે મળી મારકુટ કરી તેને પરાણે ફિનાઇલ પીવડાવી દેતાં સારવાર માટે દાખલ કરવો પડયો હતો.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરમાં સીટી સ્ટેશન પાસે રહેતાં સાહિલ સલિમભાઇ બશર (ઉ.વ.૨૦)ને ગાંધીધામ દુધઇના ધમણકા ગામ ખાતે વાંકાનેરની હુશેનાબેન અને તેના પતિ સહિતે મારકુટ કરી ફિનાઇલ પીવડાવી દેતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ સી. જે. ઝાલા અને તોૈફિકભાઇ જુણાચે દુધઇ પોલીસને જાણ કરી હતી.
સાહિલ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના મોટાભાઇ કાસમભાઇએ જણાવ્યું હતું કે સાહિલને વાંકાનેરમાં જ રહેતી પાંચ સંતાનની માતા એવી હુશેનાબેન સાથે લફરૂ થઇ જતાં થોડો સમય તેની સાથે રહેવા જતો રહ્યો હતો. એ પછી બંને વચ્ચે માથાકુટ થઇ હતી. દરમિયાન ગઇકાલે હુશેનાબેન તેને દુધઇ પાસે ધમણકા ગામે ઉર્ષમાંલઇ ગઇ હતી. જ્યાં તેણીનો પતિ મળી જતાં ઝઘડો થયા બાદ સાહિલને મારકુટ કરવામાં આવી હતી અને બાદમાં ફિનાઇલ પાઇ દેવાયું હતું. તે માંડ માંડ કરીને વાંકાનેર ઘરે પહોંચ્યો હતો અને રડવા માંડયો હતો અને ફિનાઇલ પીવડાવી દેવાયાનું કહેતાં અમે સારવારમાં ખસેડયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં સારવાર બાદ સાહિલને રાતે રજા અપાઇ હતી.