વાંકાનેર: ધાર્મિક પ્રસંગમાંથી પરત આવતા પરિવારને નડ્યો અકસ્માત: ટ્રક નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, માતા-દીકરાને ઇજા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતી સેંસો ચોકડી પાસેથી દંપતી અને તેનો દીકરો બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે ખાલી સાઇડમાં ફૂલ સ્પીડમાં પોતાનો વાહન વાળી લીધું હતું અને બાઈકને લીધું હતું જેથી ફરિયાદી મહિલા અને તેના દીકરાને ઇજા થયેલ હતી અને તેના પતિને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતકના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના રહેવાસી અને હાલમાં સરતાનપર રોડ ઉપર પાંજરાપોળ ગૌશાળામાં રહેતા અને મજૂરી કામ કરતા લાભુબેન નાગજીભાઈ વિંઝવાડીયા જાતે કોળી (૬૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલર નંબર આરજે ૩૨ જીબી ૭૭૯૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરતાનપર ગામે ધાર્મિક પ્રસંગમાં તેઓ ત્રણેય ગયા હતા અને ત્યાંથી પાછા બપોરે બે વાગ્યે આવી રહ્યા હતા ત્યારે સેન્સો ચોકડી પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનો દીકરો રમેશ નાગજીભાઈ બાઇક નંબર જીજે ૧૩ પીપી ૨૨૭૪ ચલાવતો હતો તે સમયે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ફરિયાદી રોડ સાઈડમાં નીચજે પડ્યા હતા જો કે, તેના પતિ નાગજીભાઈ ધરમશીભાઈ વિજવાડીયા અને દીકરો ટ્રકના ટાયર બાજુ પડ્યા હતા અને ત્યારે ફરિયાદીના પતિ પતિ નાગજીભાઈ ધરમશીભાઈ (૬૬)નું માથું ટ્રકના ટાયર નીચે કચડાઈ ગયું હતું જેથી તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ફરિયાદીના દીકરાનો ડાબો હાથ ટ્રક નીચે આવી જતાં તેને પણ ઇજા થયેલ હતી અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન છોડીને ત્યાંથી નાસી ગયો હતો. જોકે, અકસ્માતના બનાવમાં ઇજા પામેલા માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે