વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે ખેડૂત દ્વારા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી ખેતીવિષયક દબાણ કરતા બાબતે વાંકાનેર મામલતદાર દ્વારા અનેક સમજુતી બાદ પણ આરોપીએ દબાણ મુક્ત નહીં કરતા આખરે મામલતદારે ફરિયાદી બની આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન ઉપર અલગ અલગ ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી ખેતી કરતા હોય, આ મામલે લેન્ડગ્રેવિંગ એક્ટ મુજબ પગલાં ભરવા ફરિયાદ કરતા મામલતદાર દ્વારા પ્રથમ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા ત્રણ શખ્સોએ કબ્જા ખાલી કરી આપ્યા હતા, પરંતુ આરોપી જલાલભાઇ નુરમામદભાઇ માથકીયા દ્વારા 6148 ચોરસમીટર જમીન ઉપરનો કબ્જો ખાલી નહીં કરતાં બાબતે વાંકાનેર મામલતદાર ઉત્તમભાઇ વિનયભાઇ કાનાણી દ્વારા આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) એક્ટ 3, 4(1), 4(3), 5(c) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
