રવિવારથી ગુજરાતમાં ત્રીજી વંદે ભારત ટ્રેન દોડવા લાગશે
વડાપ્રધાનનાં હસ્તે વર્ચ્યુઅલ લીલીઝંડી બનાવી પ્રસ્થાન: જામનગર અમદાવાદ વચ્ચે દોડનારી ટ્રેન સૌરાષ્ટ્રવાસી મુસાફરોને આરામદાયક ઝડપી સેવા પુરી પાડશે
રાજકોટ,તા.22 : ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં હસ્તે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.વંદે ભારત ટ્રેનના રેક્સમાં બહેતર સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આરામદાયક અને ઉન્નત રેલ યાત્રાના નવા યુગની શરૂઆત કરતાં, નરેન્દ્ર મોદી – વડાપ્રધાન 24મી સપ્ટેમ્બર, 2023ના રોજ જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.પશ્ચીમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરદ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિભાવનાને સાકાર કરવા માટે, ભારતીય રેલવે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરો અને નગરોને જોડતી સ્વદેશી બનાવટની સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. તેની વંદે ભારત ટ્રેનો યાત્રીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને દેશમાં એવી ટ્રેનો વધારે ચલાવવા માટે અત્યંત ઉત્સાહ છે.હાલમાં, પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ જેવી ત્રણ જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. શ્રી ઠાકુર એ વધુમાં જણાવ્યું એવું નથી કે માત્ર યાત્રીઓ જ છે કે જે આ વંદે ભારત ટ્રેનો વિશે ગર્વ અને આનંદ અનુભવે છે. રેલવે કર્મચારીઓ જે આ વિશ્વ કક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવવા દ્વારા રાષ્ટ્રને તેમની સેવાઓ આપે છે તેઓ દ્વારા પણ સમાન રૂપે લાગણીઓ વ્યક્ત કરે છે. તેમના અનુભવો શેર કરતાં સમયે,આ વંદે ભારત એક્સપ્રેસના સંચાલનમાં જોડાયેલ રેલવે કર્મચારીઓ જણાવે છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરવું એ તેમના માટે ખૂબ જ વિશેષ અને યાદગાર છે. લોકો પાયલોટ અને સિનિ. લોકો પાયલોટ તેમના અનુભવો શેર કરતાં જણાવ્યું કે આ આધુનિક ટ્રેન સેટને ચલાવવી એ તેમના માટે ગર્વની બાબત છે. આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ વંદે ભારતની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથીતેમને આત્મ-સંતોષ મળે છે. વંદે ભારત ટ્રેન તેની મેળે જ ભિન્ન અનુભવ કરાવે છે.જ્યારે યાત્રીઓ આ લોકપ્રિય ટ્રેનની પૃષ્ઠભૂમિની સામે ફોટા પડાવે છે તે અમારામાં ગર્વની ભાવના જગાડે છે. તેઓ આ ટ્રેનના લક્ષણોના વખાણ કરે છે અને એવી વધુ ટ્રેનોની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે, ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે. આ ટ્રેનમાં કેટરીંગ સ્ટાફ, લાઈટીંગ અને એર કન્ડિશનીંગ સ્ટાફ, રેલવે સુરક્ષા દળ અધિકારીઓ વગેરે કાર્યરત છે.