વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો
વાંકાનેરમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પરણીતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેને અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે બોલાચાલી કરીને લાકડાના ધોકા, બેલ્ટ અને અને ચપ્પલ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરમાં આરોગ્ય નગર પાસે આવેલ વેલનાથ પરાના રહેવાસી અને હાલમાં કેરાળા ગામે રહેતા રફીકભાઈ ઈબ્રાહીમભાઇ શેખ જાતે ફકીર (૩૬) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જમીનભાઈ રહે. રાજકોટ, ભાવેશભાઈ પ્રજાપતિ રહે. જીનપરા વાંકાનેર તથા તેની સાથે આવેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ અમરસરને ફાટક પહેલા આવતી દૂધની ડેરી સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ દ્વારા તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પગે તથા શરીરે આડેધડ લાકડાના ધોકા મારવામાં આવ્યા હતા તેમજ કમરે બાંધવાનો બેલ્ટ અને ચપ્પલ વડે તેને મોઢા અને ગાલ ઉપર પણ માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને યુવાનને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ જણાવ્યા મુજબ ભાવેશભાઈ પ્રજાપતિના પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે