પોલીસ બની બુટલેગર : એવી હિંમત બતાવી કે… SMC એ પકડેલો દારૂ જ ચોરી લીધો
પીપલોદ પો.મથકમાં પંચનામુ કરવા મુકેલી 916માંથી દારૂની 23 પેટી પોલીસ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું
- જીઆરડી,ટીઆરબી મળી 9ની ધરપકડ કરાઇ રીક્ષા અને કારમાં દારૂ સગેવગે કરાયો : 15 સામે ફરિયાદ
- ગુજરાત રાજ્યમાં પોલીસની આબરૂને ઠેસ પહોંચાડતો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસ ખુદ બુટાલેગર બની દારૂનો મોટો જથ્થો સગેવગે કરી નાખ્યો હતો. આ પોલીસની હિંમતને પણ દાદ આપવી પડે કારણ કે જે દારૂ ચોરીને અંજામ અપાયો તે દારૂ SMC ઘ્વારા પકડવામાં આવ્યો હતો. બનાવ એવો છે કે દાહોદ જીલ્લાના દેવગઢબારીઆ તાલુકાના પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાંથી 23 પેટી દારૂની ચોરી કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતા પોલીસની આબરૂના લીરેલીરા ઉડ્યા છે. પીપલોદ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સહીત 15 સામે ગુનો નોંધાયો છે અને તેમાંથી 9 આરોપી ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ જે દારૂ ચોરી કરવામાં આવ્યો તે smc ઘ્વારા પકડવામાં આવ્યો હતો.
બનાવની વિગતો એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા અસાયડીથી SMCએ શનિવારે દારૂ પકડ્યા બાદ વિદેશી દારૂની 916 પેટી પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાં મુકી રાખી હતી. બપોરે તકનો લાભ લઇને કોન્સ્ટેબલની આગેવાનીમાં જીઆરડી, ટીઆરબી સહિતના લોકોની ટોળકીએ જથ્થામાંથી દારૂની 23 પેટી ચોરી કરીને લઇ ગયા હતાં. આ અંગેની જાણ થયા બાદ એસ.પીના આદેશથી એલસીબીની તપાસ શરુ કરી તેમાંમાં ઘટસ્ફોટ થયો હતો. તપાસના અંતે 15 સામે પીપલોદ પોલીસ મથકે દારૂની ચોરીસબંધિ ગુનો દાખલ કરાતાં ખળભળાટ મચી ગયો છે.
20મી ઓગસ્ટ શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલે અસાયડી ગામેથી કન્ટેનરમાં ભરેલી વિદેશીદારૂની 916 પેટીમાં જુદી-જુદી બ્રાન્ડની 28236 બોટલો કિંમત રૂપિયા 46,42,080ની ઝડપી પાડી હતી. કન્ટેનરમાંથી દારૂની પેટીઓ પીપલોદ પોલીસ મથકમાં પંચનામા માટે ઉતારવામાં આવી હતી. બપોરના સમયે એસએમસીની ટીમના સભ્ય જમવા જતાં તેમજ પોલીસ મથકમાં કોઇ ન હોવાનો લાભ લઇને પીપલોદ પોલીસ મથકના કોન્સ્ટેબલ અને પીએસઆઇના ડ્રાઇવર તરીકે ફરજાધિન શૈલેષ ગોપાળની આગેવાનીમાં દારૂની પેટીઓની ચોરીનું પ્લાનિંગ કરાયુ હતું. જીઆરડીના સાત જવાનો, ટીઆરબીના બે જવાનો અને દારૂ ઉતારવા માટે બોલાવેલા મજુરોને સાધીને 1.38 લાખ રૂપિયાની કિંમતની 23 પેટીમાં મુકેલી વિવિધ બ્રાન્ડની 430 નંગ બોટલો રિક્શા અને બ્લુ રંગની સ્વીફ્ટ કારમાં ચોરી કરી જવાઇ હતી. જોકે,આ ઘટના કોઇ જાગૃત નાગરિકે મોબાઇલમાં કેદ કરી લેતાં ચોરીના પ્રકરણ ઉપરથી પર્દાફાશ થયો હતો. એલસીબીના પીએસઆઇ એમ.એલ ડામોરની ફરિયાદના આધારે 15 લોકો સામે દારૂની ચોરીનો ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં 7 જીઆરડી, 1 ટીઆરબી અને 1 મજુર મળી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દારૂની ચોરીના પ્રકરણમાં કોન્સ્ટેબલ શૈલેષ ગોપાળ સાથે રેબારીના સતીષકુમાર પટેલ, જામદરાના પ્રકાશકુમાર કોળી, દીલીપ બારિયા, પંચેલાના નંદુ ઉર્ફે રવિન્દ્રકુમાર પટેલ, સાલિયાના વિપુલકુમાર સોલંકી, જયેશકુમાર સોલંકી, ધર્મેન્દ્રકુમાર બારિયા, પીપલોદના રાજેન્દ્રકુમાર પટેલ, જીતેન્દ્ર સોલંકી , અરવીંદ સોલંકી, અજાણ્યા રિક્શાવાળા, બ્લુરંગની સ્વીફ્ટ કાર વાળો, પીપલોદ શોપિંગ સેન્ટરમાં કામ કરતા યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
430માંથી 24 જ બોટલો રિકવર થઇ
ચોરી થયેલો દારૂ શોધવા માટે પોલીસે રેબારીના સતીષકુમાર પટેલના ઘરે તપાસ કરતાં ત્યાંથી 750 મીલીની 2 બોટલ મળી હતી. ત્યાર બાદ ધબુકા જામદરામાં પ્રકાશકુમાર કોળીના ઘરેથી પણ 12 બોટલ મળી હાલ સુધી ચોરી થયેલી દારૂની 24 બોટલો જ મળી આવી છે. જ્યારે અન્ય બોટલો શોધવા માટે પીપલોદના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.આઇ સોલંકીને આદેશ કરવામાં આવ્યો છે.
કયાં બ્રાન્ડનો દારૂ ચોરી થયો
કાયદો-વ્યવસ્થા જાળવવા માટે રાખેલી પોલીસે જ તસ્કર બનીને ઓલ સેસન ગોલ્ડ કલેક્શન વ્હીસ્કીની 13 પેટીમાં મુકેલી 156 અને છુટ્ટી પાંચ મળીને 161 બોટલ રૂપિયા 80,500ની, રોયલ ચેલેન્જ પ્રિમિયમ સિલેક્ટ વ્હીસ્કીની પાંચ પેટીમાંથી 60 બોટલ અને છુટ્ટી 5 બોટલ મળી 60 બોટલ કિંમત રૂપિયા 33800, રોયલ ચેલેન્જ પ્રિમિયમ સિલેક્ટ વ્હીસ્કીના ક્વાર્ટરની 4 પેટીની 192 બોટલ કિમત રૂપિયા 19200ની અને મેકડોવેલ્સ નં.1 કલેક્શન વ્હીસ્કીની 4500 રૂપિયાની 12 બોટલની એક પેટીની ચોરી કરવામાં આવી હતી.
વિડિયો મળ્યા બાદ એસપીએ એલસીબીને તપાસમાં જોતરતાં મોટો ઘટસ્ફોટ
પો.મથક અને પેટ્રોલ પંપના સીસી ટીવીમાં આખી ઘટના કેદ,પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાંથી પોલીસ જ પેટીઓ સગેવગે કરતી હોવાનો વિડિયો 20મી તારીખે કોઇ જાગૃક નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. આ વિડિયો 22મી મંગળવારના રોજ એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલા પાસે આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઇને એલસીબી પી.આઇ કે.ડી ડિંડોર સહિતની ટીમને તપાસ કરવાનો હુકમ કરાયો હતો. એલસીબીએ સાંજના ચાર વાગ્યે પીપલોદ પહોંચીને ત્યાંના સીસી ટીવી ચેક કરતાં અજુગતુ જણાયુ હતું ત્યાર બાદ પોલીસ મથક નજીકમાં આવેલા અરૂણોદય પેટ્રોલ પંપના સીસી ટીવીમાં તો દારૂની પેટીઓ વાહનમાં મુકાતી હોવાનું જોવા મળ્યુ હતું. પીપલોદ પોલીસ મથકના રૂમમાં મુકેલા દારૂના જથ્થાની તપાસ કરવામાં આવતાં તેમાં 23 પેટી અને 10 બોટલ મળીને કુલ ત્રણ જુદી-જુદી બ્રાન્ડની 430 બોટલો ઓછી નીકળી હતી. આ ઘટસ્ફોટ બાદ એસ.પી ઝાલા પણ પીપલોદ ધસી ગયા હતાં. ઘટનાની તલસ્પર્શી તપાસ બાદ રાતના ત્રણ વાગ્યે ચોરીમાં સંડોવાયેલા કોન્સ્ટેબલ સહિત 15 સામે ગુનો દાખલ કરાયો હતો.