જો લગ્ન બચવાની કોઈ સંભાવના ન હોય તો પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા: કોર્ટ
♦ તલાકના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી,તા.31
સુપ્રીમ કોર્ટે તલાકના કેસમાં ટિપ્પણી કરી હતી કે જયારે લગ્ન તૂટવાની અણી પર હોય અને તેને બચાવવાની કોઈ શકયતા ન હોય તેવામાં પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા છે.
પીઠે જણાવ્યું હતું કે પરીસ્થિતિઓમાં સતત કડવાશ, ભાવનાઓનું મૃત થઈ જવું અને લાંબા સમયના અલગાવને ભગ્ન લગ્નના રૂપમાં માની શકાય છે.સુપ્રીમ કોર્ટે વિવાહ વિચ્છેદને લઈને હાલમાં જ લેવાયેલ પોતાના બે ફેસલાનો હવાલો આપ્યો હતો, જેમાં એક ફેસલામાં કહેવામાં આવ્યું હતું કે જો લગ્ન તૂટી ગયા હોય તો તેને ક્રુરતાના આધારે સમાપ્ત કરી શકાય છે.
બીજા ફેસલામાં કહેવામાં આવ્યું હતું કે, લગ્ન જોડી ન શકાય એટલી હદે તૂટી ગયા હોય તો તેના આધારે તલાકને મંજુરી આપવા માટે અનુચ્છેદ-142નો ઉપયોગ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બન્ને પક્ષો પોતાના કઠોર વલણના કારણે સમાધાન કરવામાં નિષ્ફળ રહે તો અમારે ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે કે હવે બન્ને સાથે નહીં રહી શકે. કોર્ટે જણાવ્યું હતું કે 12 વર્ષ અલગ રહ્યા બાદ એ બધી ભાવનાઓને ખતમ કરવા માટે ઘણો લાંબો સમયગાળો છે, જે કદાચ બન્નેના મનમાં કયારેક એકબીજા માટે રહ્યો હશે.