જો કોંગ્રેસ ટિકિટ આપે તો 2024માં લોકસભા ચૂંટણી લડવા તૈયાર છું : મુમતાઝ પટેલ
સક્રિય રાજકારણમાં પોતાના પ્રવેશને લઇને સ્વ. અહમદ પટેલના પુત્રીનું મહત્વનું નિવેદન
ભરૂચ, તા. 12
જો કોંગ્રેસ ટિકિટ આપશે તો ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું આ શબ્દો ઉચ્ચાર્યા છે કોંગ્રેસના ચાણકય ગણાતા સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સક્રિય રાજકારણમાં કયારે આવશે તેને લઇને વર્તુળોમાં ચર્ચા વચ્ચે મુમતાઝ પટેલે આ મહત્વનું નિવેદન કર્યુ છે.
મુમતાઝ પટેલે જણાવ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે, તો ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે. હાલ તો હું ભરૂચમાં લોકસંપર્ક કરી રહી છું. 2024માં મે તક મળશે, તો જરૂર આ બેઠક પરથી ચૂંટણી લડીશ.
ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલના પુત્ર અને મુમતાઝના ભાઈ ફૈઝલ પટેલે ગત જૂન મહિનામાં પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર પોતાની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથેની તસવીરો શેર કરી હતી. જે બાદ એવી અટકળો થવા લાગી હતી કે, ફૈઝલ પટેલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે.
ગત વર્ષે વિધાનસભા ચૂંટણી માટે મુમતાઝ પટેલે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. આ સમયે મુમતાઝ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, પિતાના અવસાન બાદ આ વર્ષે વિધાનસભા ચૂંટણી કેમ નથી લડી રહ્યાં? જેના જવાબમાં મુમતાઝે જણાવ્યું હતું કે, મારે સમજવા માટે થોડો સમય જોઈએ છે.
હું પહેલા ઘણી બાબતોનું અવલોકન કરીશ અને સમજીશ. જે બાદ જનતાની વચ્ચે જઈશ અને ચૂંટણી લડીશ. અહેમદ પટેલની પુત્રી હોવાનો મને ગર્વ છે, પરંતુ હું રાજકારણમાં મારા પિતાને જેમ જ મારી કાબેલિયત પર આગળ આવવા માંગુ છું.
ઉલ્લેખનીય છે મુમતાઝ પટેલ અહેમદ પટેલની પુત્રી છે, જે કોંગ્રેસ અને ગાંધી પરિવારના સૌથી નિકટના નેતાઓ પૈકી એક હતા. 1985માં રાજીવ ગાંધીએ અહેમદ પટેલને પોતાના સચિવ બનાવ્યા હતા. 2014 સુધી અહેમદ પટેલ કોંગ્રેસના સૌથી કદ્દાવર નેતાઓ પૈકી એક હતા.