નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ ચંદ્રયાન-3 ના આંકડાના આધારે કામ કરશે
નવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ યાન પહોંચ્યું છે. ભારતના આ મિશનનો ફાયદો માત્ર આપણને જ નહીં, પુરી દુનિયાને મળશે. ઈસરોની સાથે મળીને કામ કરતી દુનિયાની અન્ય અંતરિક્ષ એજન્સીઓ પણ તેનું વિશ્ર્લેષણ કરશે. ખાસ કરીને અમેરિકી એજન્સી નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ તેના આંકડાના આધારે કામ કરશે. લેન્ડીંગ બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી ફરી ફરીને આંકડા એકત્ર કરશે.
તેમાં લાગેલા બે ઉપકરણોમાંથી અલ્ફા પાર્ટિકલ એકસ-રે સ્પેકટ્રોમીટર ચંદ્રની સપાટીનું રાસાયણીક વિશ્ર્લેષણ કરશે જયારે બીજું લેસર ઈન્ડયુસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ સપાટી પર ધાતુને શોધીને અને તેની ઓળખ કરશે. ચંદ્રયાન-3ના આંકડા એટલા માટે મહત્વના છે. કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રના બારામાં હજુ સુધી વધુ જાણકારી નથી. ચંદ્રયાન-1 એ પણ આ ક્ષેત્રમાંથી જ આંકડા મેળવ્યા હતા. અહીં ઉંડી ખીણો અને એવા સ્થળો છે, જયાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચ્યો, એટલે નવી જાણકારી મળવાની સંભાવના વધુ છે.