ગેરકાયદે હથિયાર વેંચાણ નેટવર્કમાં કાશ્મીર કનેકશન
ગુજરાત પોલીસનું જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન : નિવૃત સૈન્ય જવાન – ગનશોપ માલિકની સંડોવણીનો ખુલાસો, કુલ 12ની ધરપકડ: બનાવટી લાયસન્સ પર હથિયારો વેંચતા હતા
અમદાવાદ તા.22 : ડુપ્લીકેટ લાયસન્સના આધારે હથિયારો વેચતી કાશ્મીરી ગેંગનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસે આસામ રાઈફલના નિવૃત જવાનને હથિયાર સાથે ઝડપીને તપાસ કરતા હથિયારના બનાવટી લાયસન્સના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમા જમ્મુમાં રહેતા રસપાલકુમાર અને ગનશોપનુ નામ પોલીસ તપાસમાં સામે આવતા સોલા પોલીસે જમ્મુ-કાશ્મીરમાં 12 લોકોની ટીમ સાથે ઓપરેશન હાથ ધર્યું હતુ.
જેમા પોલીસે એકસ આર્મીમેન રસપાલકુમાર ચંદગાલ, ગન હાઉસના માલિકના પુત્ર ગૌરવ કોતવાલ અને મેનેજર સંજીવ શર્માની ધરપકડ કરી પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓ ગન શોપ પાસેની એક હેર કટીંગની દુકાનની બહાર જ આ કૌભાંડ બાબતોની મીટીંગ કરતા હોવાનુ સામે આવ્યુ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ કેટલાક વર્ષોથી આ રીતે ખોટા લાયસન્સ પર હથિયારો ખરીદી ગુજરાતમાં વેચવાનુ કૌભાંડ શરૂ કર્યું હતુ.
સોલા પોલીસે બાતમીના આધારે એકાદ અઠવાડીયા પહેલા એકસ આર્મીમેન પ્રતિક ચૌધરીની હથિયારોના જથ્થા સાથે ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં પોલીસે બિપીન મિસ્ત્રી અને જતીન પટેલની પણ ધરપકડ કરી હતી. બાદમાં આરોપીઓએ 15 થી 20 લાખની કિંમતમાં હથિયારો વેચ્યા તે છ ગ્રાહકોની પણ સોલા પોલીસે ધરપકડ કરી હતી. આ આખુય કૌભાંડ જમ્મી-કાશ્મીરથી ચાલતુ હોવાનુ સામે આવતા પોલીસે ત્યાં ઓપરેશન હાથ ધરી એકસ આર્મીમેન રસપાલકુમાર ચંદગાલની પહેલા ધરપકડ કરી હતી.
આરોપી ઘરની બહાર આવે તેની સોલા પોલીસ રાહ જોઈને બેઠી હતી, પણ કલાકો સુધી તે બહાર ન આવતા પોલીસે તેના ઘરમાં ઘૂસીને તેને ઝડપી લીધો હતો. જે ગનશોપમાંથી હથિયારો ખરીદાતા હતા ત્યાં પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાં દુકાનનો મેનેજર સંજીવ શર્મા પોલીસને દેખાતા જ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી તેને પણ ઝડપી લીધો હતો. ગનશોપના માલિકની કોઈ સંડોવણી છે કે કેમ તે બાબતે પોલીસે તપાસ કરતા માલિકના પુત્રની સંડોવણી હોવાનુ સામે આવતા પોલીસે તેને પકડવા વોચ ગોઠવી હતી
પણ આરોપી ગૌરવ કોતવાલ અમરનાથ યાત્રા કરવા ગયો ત્યારે જ તેને સોલા પોલીસ આવી હોવાની જાણ થતા તેણે ફોન બંધ કરી દીધો હતો. તે પરત આવતા જ તેને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દુકાનના રજીસ્ટરની તપાસ કરતા આ દુકાનમાંથી આશરે 800 જેટલા હથિયારો વેચાયા હોવાનું સામે આવ્યુ હતુ. જેમાંથી સોલા પોલીસના ગુનામાં પકડાયેલા 15 હથિયારો ગેરકાયદે વેચ્યા હોવાનુ સામે આવ્યુ છે. આરોપીઓ એકસ આર્મીમેનના લાયસન્સ રીન્યુ કરવાના નામે લાયસન્સ મેળવી ડુપ્લીકેટ લાયસન્સ પર કથુઆના ડીએમના બનાવટી સહી સિકકા કરી આ કૌભાંડ ચલાવતા હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
રૂા.1 થી 4 લાખનું કમિશન લેતા હતા, સહી સિકકા વેરિફિકેશનની તપાસ ચાલુ
રસપાલકુમાર, ગૌરવ કોતવાલ અને સંજીવ શર્મા ગન હાઉસ પાસે એક હેર કટીંગની દુકાન આવી છે ત્યાં ભેગા થતા હતા. ગ્રાહકો કોણ છે, હથિયારો કયાં લઈ જવાના છે, કોની કેટલી કટકી, કોણ લેવા આવશે તેવા મુદાઓ પર મીટીંગ કરતા હતા. પોલીસની ટીમ પહોંચી ત્યારે પણ આરોપી સંજીવ ત્યાં દેખાયો હતો.
જેથી તેને ત્યાં ઉભા રહેવા બાબતે પૂછતા તેણે મીટીંગ કરતા હોવાની કબુલાત કરી હતી. ખોટા લાયન્સમાં થયેલા નકલી સહી સિકકા બાબતે તપાસ કરવા એક ટીમ સ્થાનિક અધિકારીને મળવા રોકાઈ હતી. તમામ વેરિફિકેશન માટે જમ્મુ, કથુઆ અને બારામુલ્લા ખાતે તપાસ ચાલુ છે. તમામ લોકો એક લાખથી ચાર લાખનું કમિશન લેતા હોવાનુ સામે આવ્યુ છે. તેમ ડીસીની ડો.લવિના સિંહે જણાવ્યુ હતુ.
2001થી ગનશોપ ચાલે છે
મહેન્દ્ર કોતવાલ ગનશોપ એક મુખ્ય રોડ પાસેની ગલીમાં છે. જેના માલિક મહેન્દ્ર કોતવાલ છે. વર્ષ 2001થી શરૂ થયેલી આ દુકાન હાલ તેમનો પુત્ર ગૌરવ ચલાવી રહ્યો હતો. દુકાનમાં કોઈપણ પ્રકારના સીસીટીવી નહોતા અને કોઈપણ પ્રકારની સુરક્ષા રખાઈ ન હતી. આ દુકાનમાં દારૂના ઠેકા પર જેમ ભીડ જામે છે તેવી જ ભીડ હથિયારો ખરીદવા લાગે છે. આ તમામ આરોપીઓ ગ્રાહકોન ઓલ ઈન્ડીયાની પરમીટ આપતા હતા. જયારે પ્રતીક જ તમામ ડોકયુમેન્ટમાં જે તે વ્યકિતના નામની એન્ટ્રીની સાથે તેની બોગસ સહીઓ પણ કરતો હતો.