
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે, પોરબંદર,ગીર સોમનાથ અને આણંદ તેમજ વડોદરા સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે તાપી,નવસારી,ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ૨ જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી ૫ જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ ૨ થી ૫ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે ૮ થી ૧૨ જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે. તેમજ ૧૧ થી ૧૨ જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને ૧૮ થી ૨૦ જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે.ગઈકાલે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના વિસાવદરમાં ૩૬૭ MM જ્યારે જામનગરમાં ૨૬૯ MM વરસાદ નોંધાયો છે, કચ્છના અંજારમાં ૨૩૯ MM વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં ૧૭૪ MM અને જૂનાગઢના ભેસાણમાં ૧૭૩ MM વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં ગઈકાલે વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, બોડકદેવ, નહેરુનગર, જીવરાજપાર્ક, રાણિપ, બોપલ, ઘુમા, ગોતા, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના સિંધુભવન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ જૂનાગઢ અને જામનગરનાં જીલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ ૪ ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગર માં મોકલી દેવાઈ છે.

