ત્રણેક દિવસથી ધ્રાંગધ્રાના ક્લબ સંચાલક દાઉદ મોવરની વાડીમાં જુગારધામ શરૂ કરાયું હોવાનું ખુલ્યું; તે પહેલાં અન્ય વિસ્તારમાં મોટાપાયે જુગાર રમાડી દેવાયો’તો: આઠ લોકો ફરાર: 1.77 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધમધમતી જુગારક્લબો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરતાં જુગારીઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. સ્થાનિક પોલીસની મીઠી નજર અથવા તો તેમને અંધારામાં રાખીને જુગારધામ ધમધમવા લાગતાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આવો જ એક દરોડો સ્ટેટ મોનિટરિંગ સેલે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પાડીને જુગાર રમી રહેલા રાજકોટના પાંચ સહિત સાતને પકડી પાડ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી.પટેલ સહિતના સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રાના ઈસાદ્રામાં આવેલી દાઉદ હુસેનભાઈ મોવરની વાડીમાં દરોડો પાડીને જુગાર રમી રહેલા સફીક હુસેનભાઈ મોવર (રહે.ધ્રાંગધ્રા) કે જે જુગારક્લબનો મુખ્ય સંચાલક છે તેને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત જુગાર રમી રહેલા કરણ દાદુભાઈ ચાવડા (રહે.રાજકોટ), ચિરાગ ગોપાલભાઈ ગરાણીયા (રહે.રાજકોટ), તરુણ આલાભાઈ કટારિયા (રહે.જામખંભાળિયા), ઈકબાલ કાસમભાઈ સમા (રહે.રાજકોટ), અમીન જહુરભાઈ શીશાંગીયા (રહે.રાજકોટ) અને જયેશ શશીભાઈ સાતા (રહે.રાજકોટ)ને પકડી પાડ્યા હતા. આ તમામ જુગાર રમવા માટે ખાસ ધ્રાંગધ્રા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જ્યારે દરોડાની જાણ થતાં જ દાઉદ હુસેનભાઈ મોવર કે જે પણ જુગારધામનો મુખ્ય સંચાલક છે તે ઉપરાંત નાલ ઉઘરાવનાર તેમજ જુગારધામના સંચાલક દાઉદનો ભાગીદાર હુસાભાઈ, રિયાઝ ઉર્ફે મહમ્મદ સાધવાની (રહે.સુરેન્દ્રનગર), પ્રકાશ નરભેરામ ભૂત (રહે.મોરબી), વિશાલ ગઢવી (રહે.મોરબી) અને નરોત્તમ કોળી (રહે.રાજકોટ) ફરાર થઈ જવામાં સફળ થયા હતા. દરોડા સ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલને જુગાર રમવા આવનાર લોકો કે જેઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે તેમના મોબાઈલ મળી આવતાં તેના આધારે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે સ્થળ પરથી 1,36,660ની રોકડ સહિત રૂા.1,77,160નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ જુગારધામ ત્રણ દિવસ પહેલાં ધ્રાંગધ્રાના દાઉદ હુસેનભાઈ મોવર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. અહીં ક્લબ શરૂ કરતાં પહેલાં દાઉદે અન્ય સ્થળે મોટાપાયે જુગાર રમાડી દીધો હોવાનું ખુલ્યું છે ત્યારે દાઉદની ધરપકડ કર્યા બાદ આ મામલે સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી હતી કે પોતાની રીતે જ જુગારક્લબ શરૂ કરી દીધી હતી તે સહિતના મુદ્દે મહત્ત્વના ખુલાસા થશે.