સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલી ૪૮ કિલો સોનાની દાણચોરી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એરપોર્ટ પર સોનાની સ્મગલિંગમાં અરપોર્ટ ઇમિગ્રેશન અધિકારી અને સુરત શહેરના PSI પરાગ દવેની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઈમિગ્રેશન અધિકારી પરાગ દવેની ધરપકડ કરી છે. પરાગ દવેને દાણચોરીમાં બમણુ કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે.ગત ૭ જુલાઈના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગ્ય બાતમીના આધારે DRIના અધિકારીઓએ એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શારજહાથી આવેલા ત્રણ મુસાફરોને અરપોર્ટ પર અટકાવી તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા ૨૦ સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં ૪૩.૫ કિલો સોનું સંતાડેલું મળી આવ્યું હતું.જે બાદ તેઓની પૂછપરછ કરતા તેમની પાસેથી મળેલી માહિતીના આધારે ઈમિગ્રેશન ચેકપોસ્ટ પાસેના શૌચાલયમાંથી પેસ્ટ સ્વરૂપે બીજુ ૪.૬૭કિલો સોનું મળી આવ્યું હતું. જે બાદ આ ત્રણેયની આકરી પૂછપરછ કરવામાં આવતા તેઓ પોપટની જેમ બોલવા લાગ્યા હતા.તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારી તરીકે ડ્યુટી કરતા સબ ઇન્સ્પેક્ટર પરાગ દવે સોનાની સ્મગલિંગમાં મદદ કરતો હતો
. આ ટોળકી સિક્યોરિટી ચેકિંગ પહેલાં જ ત્યાં ઉભેલા આ સબ ઇન્સપેક્ટરને સોનું આપી દેતી. તે સોનું શૌચાલયમાં છુપાવી દેતો અને નોકરી પૂર્ણ થયા બાદ આ સોનું શૌચાલયમાંથી કાઢીને બહાર જઈને ટોળકીને આપી દેતો હતો. પરાગ દવેને દાણચોરીમાં બમણુ કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે. હાલ પરાગ દવેની ધરપકડ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં પરાગ દવે મોડ થ્રીની પરીક્ષા આપીને હેડ કોન્સ્ટેબલમાંથી PSI બન્યો હતો. પરાગ દવે અગાઉ પણ કોસંબામાં દારૂની રેડ મામલે સસ્પેન્ડ થયો હતો.