
સુરતમાં દિવસેને દિવસે વધતી જતી ક્રાઈમની ઘટનાઓ વચ્ચે પોલીસ એક વિદ્યાર્થીનીને આપઘાત કરતાં બચાવી છે. વાત જાણે એમ છે કે, પરીક્ષાને લઈ તણાવમાં આત્મહત્યા કરવા જતી વિદ્યાર્થીનીએ પંખા ઉપર દોરડું બાંધી માત્ર બેથી ત્રણ જણાને દેખાય તેવું વોટ્સએપ સ્ટેટસ સેટ કર્યું હતું. જોકે દહેરાદૂન રહેતી તેની એક મિત્રએ આ સ્ટેટ્સ જોઈ ફોન પર વાત કરતાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. જે બાદમાં સુરતની ખટોદરા પોલીસે વિદ્યાર્થીનીની હોસ્ટેલ પહોંચી તેને આપઘાત કરતાં બચાવી હતી.સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં એક વિદ્યાર્થીની સિવિલ કેમ્પસમાં ફિઝિયો હોસ્ટેલમાં રહેતી હતી. આ વિદ્યાર્થીનીએ પરીક્ષાને લઈ તણાવને કારણે પોતાનું જીવન ટૂંકાવી દેવાનું વિચાર્યું હતું. જેથી તેણે તે જે ફિઝિયો હોસ્ટેલમાં રહે છે ત્યાં પંખા પર દોરડું બાંધી તે ફોટો વોટ્સએપમાં માત્ર એક-બે વ્યક્તિને દેખાય તે રીતે સ્ટેટ્સ મૂક્યું હતું. જોકે આ સ્ટેટ્સ વિદ્યાર્થીનીની દહેરાદૂનમાં રહેતી એક મિત્રએ જોઈ લીધું હતું.આ તરફ દહેરાદૂનની મિત્રએ સ્ટેટ્સ જોઈ તાત્કાલિક વિદ્યાર્થીનીને ફોન કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીનીએ વાત-વાતમાં પોતે આપઘાત કરતી હોવાનું કહ્યું હતું. જેને લઈ દહેરાદૂનની મિત્રએ તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ખટોદરા પોલીસને જાણ કરાઇ હતી. જેથી ખટોદરા પોલીસની પીસીઆર તાત્કાલિક ફિઝિયો હોસ્ટેલ પહોંચી હતી અને ત્યાં વિદ્યાર્થીની આત્મહત્યા કરે તે પહેલાં તેને બચાવી લેવાઈ હતી. આ સાથે વિદ્યાર્થીનીને બચાવ્યા બાદ તેણીનું કાઉન્સેલિંગ કરાયું હતું.
