બસ સ્ટેન્ડના ઢાળ પાસે ચાર શખ્સો કારમાં આવ્યા: બે પૈકી એક કર્મચારીને લઈ ભાગી જતા ખળભળાટ: એકની પુછપરછ: ઢસાની આર.મહેન્દ્ર પેઢીનો રૂ।.એકાદ કરોડનો માલ ગયાની અંદાજ: અધિકારીઓ દોડયા
ભાવનગર નજીક સિહોરમાં બધુંકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ લાખો રૂપિયાના હીરાની લૂંટ ચલાવી આંગડિયા પેઢીના કર્મચારીનું અપહરણ કરી લૂંટારાઓ નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે અને પોલીસ કાફલો દોડી ગયો છે.
આજે સવારે બનેલા લૂંટ -અપહરણ ના આ બનાવની પ્રાથમિક મળતી વિગતો મુજબ ભાવનગરના ઢસામાંથી આર. મહેન્દ્ર આંગડિયા પેઢીના કર્મચારી સિહોર પાસે પહોંચ્યા હતા ત્યારે સિહોર બસ્ટેન્ડના ઢાળ પાસે 4 થી વધુ લૂંટારાઓ બધુંકની અણીએ કાર સહિત બે આંગડિયા કર્મીને લઈ ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતા જ સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ અંગે ભાવનગર પોલીસને જાણ કરાતા ભાવનગર થી એલ.સી.બી., એસ.ઓ.જી .સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળ દોડી ગયો હતો અને તપાસમાં જોડાયો હતો.
બે પૈકી એક કર્મચારીને લૂંટારૂ ઉપાડી ગયા છે. અને એકની પોલીસ પુછપરછ કરી રહી છે. આ બાદ લૂંટ અંગે ફરિયાદ નોંધાશે તેમ મનાવામાં આવે છે. લુંટની આંકડો એકાદ કરોડ હોવાનું અનુમાન છે.