2021માં જાહેર કરેલા કૌભાંડ મામલે સુરત પોલીસે કાર્યવાહી કર્યાનો દાવો
અમદાવાદ, તા. 26પેપર લીક અને તોડકાંડ મામલે પોલીસની કસ્ટડીમાં 3 મહિના રહ્યા બાદ યુવરાજસિંહ જાડેજા જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરીથી ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિ અને કૌભાંડ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિથી પાસ થવાના કૌભાંડમાં યુજીવીસીએલના 11 કર્મચારીઓની ધરપકડ કરી હતી. જે અંગે યુવરાજસિંહે ટવીટ કરીને કહ્યું છે કે, તેમણે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.યુવરાજસિંહ જાડેજાએ ટવીટ કરીને લખ્યું છે કે, ઊર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી(4 જાન્યુઆરી 2021) તે દરમિયાન ઊર્જા વિભાગના સિસ્ટમેટીક કૌભાંડને ઉજાગર કર્યું હતું. જે નામો આપેલ હતા એ હવે પકડાય છે. તે સમયે જો એક્શન લીધા હોત તો આ લિસ્ટ બહુ લાંબુ હોત. હજી પણ ઇચ્છાશક્તિ હોય તો આ ભરતી(જુનિયર આસી. અને જુનિયર એન્જિનિયર)ની સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે તો આ ઓનલાઈન સિસ્ટમેટીક સ્કેમમાં 300+ એવા લોકો મળશે, જે વર્તમાનમાં ઊર્જા વિભાગની અલગ અલગ કચેરીમાં ભ્રષ્ટાચારથી નોકરી કરતા જોવા મળશે. આ કૌભાંડના મૂળ ખુબ ઊંડા છે. યોગ્ય તપાસ થશે તો ઘણા મોટા અધિકારી અને વગદાર વ્યક્તિઓના નામ સામે આવશે.ગઈકાલે જ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષામાં ગેરરીતિ આચરીને ભરતી થવાના કૌભાંડમાં અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વિવિધ ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 11 જેટલા કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉમેદવારોએ એજન્ટનો સંપર્ક કરીને 7થી 10 લાખ રૂપિયા આપીને ગેરરીતિથી પરીક્ષા પાસ કરી હતી.ઉમેદવારોને બારોબાર પાસ કરાવવા માટે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોક્કસ ઉમેદવારોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવામાં આખે આખું કૌભાંડ રચવામાં આવ્યું હતું. જે અંગે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને જાણ થતાં જ તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી.