નગરપાલિકાના પાપે વણ વપરાયેલી રહેલી વાંકાનેર પાલિકાની રૂ.2.55 કરોડ, હળવદ પાલિકાની રૂ.1.09 કરોડ અને મોરબી પાલિકાની રૂ.58.79 લાખની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી
મોરબી : મોરબી શહેર અને જિલ્લો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને લીધે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણ વપરાયેલી પડી રહી છે. સરકારી ગ્રાન્ટ ન હોવાના રોદણાં રોતા સત્તાધીશો પ્રજાકીય ગ્રાન્ટ વાપરવામાં અભરે અવળચંડાઈ કરે છે. આથી આ વખતે પણ મોરબી જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં વણ વપરાયેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી હતી.
મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ પ્રજાકીય ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ ગઈ છે. જેથી 2019-20ની વણ વપરાયેલી રહેલી વાંકાનેર પાલિકાની રૂ.2.55 કરોડ, હળવદ પાલિકાની રૂ.1.09 કરોડ અને મોરબી પાલિકાની રૂ.58.79 લાખની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી હતી. મોરબી શહેરની વાત કરીએ તો મોરબી જે રીતે વિકસી રહ્યું છે તે જોતા નગરપાલિકાએ શહેરને વધુ ડેવલપ કરવાની જરૂર છે. છેલ્લા બે દાયકામાં બહુ ઓછી સરકારી ગ્રાન્ટ વપરાય છે. આવી જ હાલત વાંકાનેર અને હળવદ શહેરની છે. હળવદ અને વાંકાનેર શહેરમાં સમસ્યાઓનો ઢગલો છે. પણ તંત્રને ક્યારેય સમસ્યા ઉકેલવાનું સૂઝ્યું જ નથી.
ઘણીવાર નગરપાલિકાએ વિકાસના કામો ન કરવા પડે ત્યારે ગ્રાન્ટના અભાવનું બહાનું કાઢે છે. પણ હકીકતમાં સરકાર તો શહેરોનો સમાંતર વિકાસ કરવા માંગે છે. એટલે જ સરકાર નગરપાલિકાઓને વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. પણ જ્યારે આવી ગ્રાન્ટ વણ વપરાયેલી રહી અને સરકારને પરત જમા કરવી પડે તે બહાર આવે ત્યારે પ્રજાને ખબર પડે છે કે નગરપાલિકાની ગ્રાન્ટ વાપરવાની કોઈ દાનત જ નથી. ખરેખર નગરપાલિકા શહેરનો વિકાસ કરવા માંગતી હોય તો જેટલી સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે પણ ઓછી પડે એમ છે. નગરપાલિકાને આવી ગ્રાન્ટ વાપરવાનું સૂઝતું કેમ નથી ? નગરપાલિકાની ક્યાં કચાશ રહી જાય છે ? તે સવાલો પ્રજાના મનમાં સતત અકળાવે છે.